અમદાવાદ, તા. ૧૯
૧૨ ઓગસ્ટે શહેરના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે ઓવરહેડ ટાંકી ધરાશાયી થતા તે વૃક્ષ ઉપર પડી હતી. નીચે ખુલ્લા પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો પૈકી કુલ ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સાત મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સાતમા દિવસે શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ટાંકીની બાજુમાં તૈયાર થઈ રહેલા પમ્પ હાઉસના ધાબાનો સ્લેબ ધરાશાયી થતાં સાત મજૂરો દટાવાની ઘટના બની છે. આ ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી આરંભી દીધી હતી. ફાયર વિભાગ દ્વારા કુલ સાત મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શહેરના બોપલ વિસ્તારમાં ૧૯૯૭ના વર્ષમાં બનેલી ઓવરહેડ ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સ્થળ પર પહોંચેલા જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ આ જર્જરિત ટાંકી ધરાશાયી બનવાની ઘટના મામલે તપાસ કમિટીની રચના કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઘટનાના સાતમા દિવસે જ શહેરના નિકોલ વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યે અંડરગ્રાઉન્ડ ટાંકીની બાજુમાં પમ્પ હાઉસના ધાબાનો સ્લેબ ભરવાની કામગીરી સમયે તૂટી પડતાં સાત મજૂરો દટાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઘાયલ મજૂરોને ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક કોર્પોરેટર શું કહે છે
સ્થાનિક કોર્પોરેટર ગૌતમ કથિરિયાના કહેવા પ્રમાણે આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી. જેની પાસે પમ્પ હાઉસ બનાવવાની કામગીરી ચાલતી હતી. જેના ધાબાનો સ્લેબ તૂટી પડતાં આ ઘટના બની છે. આ ઘટના અંગે મેયર, કમિશનરને બનાવની જાણ કરાઈ છે. હાલ બચાવની પ્રાથમિકતા અપાઈ રહી છે. બનાવની તપાસ કરાશે.
કોંગ્રેસના કોર્પોરેટર શું કહે છે
કોંગ્રેસના કોર્પોરેટર રણજીત બારડના કહેવા પ્રમાણે, આ બાંધકામ અંગે અગાઉ અમપાના અધિકારીઓને નબળી કામગીરી થઈ રહી હોવા બાબતે જાણ કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે આ સમગ્ર ઘટના બની છે.
ચીફ ફાયર ઓફિસર શું કહે છે
ઘટના મામલે બચાવ કામગીરીમાં લાગેલા ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું, પમ્પ હાઉસના ધાબાનો સ્લેબ તૂટી પડતા આ ઘટનામા સાત મજૂરો સ્લેબના કાટમાળમાં દટાઈ ગયા હતા. જેમને રેસ્ક્યૂ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ ચેરમેન શું કહે છે
ઘટના અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટનો સંપર્ક કરાતા તેમણે કહ્યું, આ ગંભીર ઘટનાની ચોક્કસથી તપાસ કરવામાં આવશે. જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે. ફાયર વિભાગે કામગીરી પૂરી કરી છે. છતાં તપાસ ચાલુ છે.
શહેરમાં બનેલી ઘટનાઓ
– ૧૪ જુલાઈ-કાંકરિયા રાઈડ દૂર્ઘટના, જેમાં બે લોકોનાં મોત થયા હતા
– ૨૬ જુલાઈ-જગતપુરમાં ગણેશ જિનેસિસમાં આગમાં એકનું મોત
– ૧૪ ઓગસ્ટે બોપલમાં ટાંકી ધરાશાયી, જેમાં ત્રણના મોત