શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે સ્થાનિકો કોર્પોરેશન દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. જો કે કોર્પોરેશન આ અંગે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
શહેરમાં સાફસફાઈના અભાવમાં લોકોને પડતી હાલાકીના કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા. લાખાજી રોડ પર કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવા અંગે સ્થાનિકોએ રોડ પર આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કોર્પોરેશન પર આક્રોશ ઠાલવ્યો હતો.
રોષે ભરાયેલા લોકો દ્વારા મેયર બીનાબહેન આચાર્યનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, અને સ્થાનિક સ્તરે કોર્પોરેશન દ્વારા દુર્લક્ષ્ય સેવાતું હોવાની હૈયાવરાળ ઠાલવી મેયર સાથે સામાન્ય રકઝક કરી હતી. જો કે મેયર દ્વારા સફાઈ અંગેની ખાતરી બાદ મામલો શાંત થયો હતો.
સ્થાનિકોની ઉગ્ર રજૂઆતના પગલે મેયરની આગેવાનીમાં તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રિકોણબાગથી જૂના શાકમાર્કેટ સુધી સફાઈ હાથ ધરવામાં આવી હતી.