નિરમા કંપનીમાં જીએસટી મેનેજરની નોકરી કરતા યુવકને ઉઘરાણીના કામ પેટે 20 ટકા કમીશન આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયા ગઠીયાએ પડાવી લીધા છે. નવી નોકરી માટે કરેલી ઓનલાઈન અરજીના આધારે અજાણ્યા શખ્સે ફરિયાદીનો સંપર્ક કરી મેમ્બરશીપ આપવા જુદાજુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો સોલા પોલીસે નોંધ્યો છે.
ચાંદલોડીયા વંદે માતરમ સિટી પાસે આઈસ લેન્ડ ખાતે રહેતા કેતન વિનોદરાય વ્યાસ નિરમા કંપનીમાં છેલ્લા નવ મહિનાથી જીએસટી મેનેજર તરીકે નોકરી કરે છે. કેતન વ્યાસે નવી નોકરી મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં નિખિલ પાટીલ ઉર્ફે નિરજ શર્મા નામના શખ્સે ફોન કરી કેતનભાઈનો સંપર્ક કર્યો હતો. રૂપિયાની ઉઘરાણી માટે 20 ટકા કમીશનની લાલચ આપી અજાણ્યા શખ્સે કેતનભાઈને લાલચ આપી હતી. મેમ્બરશીપ પેટે શરૂઆતમાં 10 હજાર જમા કરાવડાવી કેતનભાઈને એક સ્થળે ઉઘરાણી માટે અજાણ્યા શખ્સે ફોન પર સૂચના આપી મોકલ્યા હતા. થોડીક સમય બાદ મિટીંગ કેન્સલ થઈ હોવાનું કહી કેતનભાઈને પરત જવા સૂચના આપી હતી. ત્યારબાદ બેંકમાં 4 લાખ રૂપિયાની બેલેન્સ કરાવવાની સૂચના આપી જુદાજુદા બહાના હેઠળ કુલ રૂપિયા 12 લાખ ગઠીયાએ પડાવી લીધા હતા.