નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂણ મોત

રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો  જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં  બિલ્ડર અને કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હતી. બિલ્ડિંગની સાઈટ ઉપર ભયજનકનું કોઈ બોર્ડ કે આડશ લગાવી ન હોય બિલ્ડરની બેદરકારી સામે આવી હતી.

રૈયાગામે મામાના ઘરે ફરવા આવેલા અમીર મુકેશ મકવાણા (ઉ.વ.14) સાથે અજુર્ન જગદીશ વઘેરા (ઉ.વ.14) અને કરણ જગદીશ વઘેરા (ઉ.વ.14) ન્હાવા પડયા હતા તેની સાથે એક અન્ય બાળક પણ હતો. એક બાળક ન્હાવા પડયા બાદ તે ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય બે બાળકો એક પછી એક ડૂબી ગયા હતા. ચારમાંથી એક બાળક ભાગી ગયો હોય બીજી તરફ આંબેડકરનગરમાં રહેતો અમીર અને તેના પિતરાઈ ભાઈ કરણ અને અજુર્ન ત્રણેય લાપત્તા હોય જેને પરિવારજનો ચિંતાતૂર બની શોધતા હોય ચોથો બાળક કે જે ત્રણેયની સાથે ન્હાવા પડવાના બદલે ભાગી ગયો હતો તેને પરિવારજનોએ પૂછતા ત્રણેય ડૂબી ગયાનું જણાવ્યું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ ખાડામાંથી બહાર કાઢયા હતા. આ અંગેની યુનિવસિર્ટી પોલીસે મુકેશ સવજીભાઈ મકવાણાની ફરિયાદના આધારે બિલ્ડર્સ અને સાઈટના કોન્ટ્રાકટર વિરૂધ્ધ સાપરાધ મનસુષ્યવધ આઈપીસી કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધતા પરિવારજનોએ બાળકોની લાશ સ્વીકારી હતી. પોલીસે બિલ્ડર સામેની તપાસ તેજ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.