અમદાવાદ,તા:૧
ભારતમાં વિદેશની માફક ટેક્સ પેયર્સને સરકાર તરફથી નભી શકે તેવું પેન્શન આપવામાં આવતું નથી. સોશિયલ સિક્યોરિટીને નામે શૂન્ય છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારાઓને પણ પેન્શનનની આવક થતી નથી. પરિણામે 60 વર્ષ પછીના સમય માટેના આયોજનોને અમલમાં મૂકવા અનિવાર્ય છે. હવે તો યુવાવયથી જ સંતાનોના શિક્ષણ અને લગ્નના ખર્ચનું આયોજન કરવું પડે તેવો સમય આવી ગયો છે. આ સંજોગોમાં હમણા બચત નહિ, જલસા કરી લોની નીતિ ચાલે તેમ નથી. ભારતીય સંસ્કૃતિમાં સંતાનોને સેટલ કરવાની જવાબદારીનો બોજ માતાપિતાએ જ વેંઢારવાનો હોય છે. પશ્ચિમિ દેશોની માફક સંતાન પુખ્ત થતાં તેને તેના હાલ પર છોડી દેવાની માનસિકતા ભારતીય સમાજમાં હજી પૂર્ણ પણે આવી જ નથી. કદાચ તે આવતા હજીય 15થી 25 વર્ષ લાગી જશે. આ સંજોગોમાં નિવૃત્તિ પહેલાના અને નિવૃત્તિ પછીના આયોજનો પહેલા દિવસથી જ કરવા પડે તેવો સમય આવી ગયો છે.
આ સંજોગોમાં તમારે તમારી વર્તમાન લાઈફ સ્ટાઈલને દસ કે વીસ વર્ષ પછી ટકાવી રાખવા અને તેનાથી ઉપર જવા માટે કેટલું ભંડોળ કે કેટલી માસિક આવક જોઈશે તેનો ક્યાસ કાઢી લેવો પડશે. ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં કેટલું ભંડોળ હોવું જરૂરી છે તેનો વિચાર કરી લેવો જરૂરી છે. તમારા પરિવારમાં સામાન્ય રીતે આયુષ્ય કેટલું લાંબું હોય છે તેનો પણ વિચાર કરી લેવાની જરૂર છે. જોકે આ ગણિતો ગમે ત્યારે ખોરવાઈ શકે છે. એક ક્ષણમાં જ બધું બદલાઈ જાય છે તેમ છતાંય આ બાબતે વિચાર કરી લેવો જરૂરી છે. સરેરાશ પાંચ ટકાનો ફુગાવો ગણવામાં આવે તો અને અત્યારે
30 વર્ષની વયે મહિને રૂા. 50,000નો ખર્ચ કરનારી વ્યક્તિને 60 વર્ષની વયે નિભાવ ખર્ચ પેટે રૂા. 30 લાખની જરૂર પડી શકે છે. આ સંજોગોમાં નિવૃત્તિ ટાણે રૂા.30 લાખની વાર્ષિક આવક થાય કેવી રીતે તે વિચારીને આયોજન અમલમાં મૂકવું જોઈએ. ફુગાવાના દરને કારણે દર દસ વર્ષે તમારો ખર્ચ બમણો થતો જાય છે. અત્યારે બેન્કના વ્યાજના જે દર મળે છે તે પણ આવનારા વરસોમાં નીચા જશે. આ સંજોગોમાં સરેરાશ 5થી 6 ટકા વ્યાજ દર રહેશે તેમ માનીને ચાલવામાં આવે તો પણ જે તે વ્યક્તિ પાસે વર્ષે 30 લાખની આવક કરવા માટે રૂા. 5થી 6 કરોડની બચત હોવી જરૂરી છે. આ રિક્વાયર મેન્ટ સમાજના હાઈફાઈ ક્લાસની ગણી શકાય. તેથી હાઈફાઈ ક્લાસે આ સ્થિતિમાં બચત પણ ઉત્તરોત્તર વધારવી જરૂરી છે. તેમ જ વ્યાજની અને અન્ય આવક કે કમાણી પણ વધારવી જરૂરી છે. માત્ર રૂા. 2 કરોડની બચત કરવાનું ટાર્ગેટ રાખવું ભૂલભરેલું છે. ઉંમરના વધવા સાથે અણધાર્યા આવી પડતા મેડિકલ એક્સપેન્શને ગણતરીમાં લેવામાં આવે તો વીમા કવરેજ મોટું હોવું જરૂરી છે. તેમ જ મેડિકલ એક્સપેન્શ માટે વધારાની બચત કરવી પણ જરૂરી છે. વ્યવસ્થિત બચત ન કરનારાઓની બચતના નાણાં નિવૃત્તિ પછીના પાંચ જ વર્ષમાં ખતમ થઈ જાય તો તેણે સંતાનોની આવક પર લાચાર બનીને જીવવું પડે છે.
મધ્યમ અને અપર મિડલ ક્લાસે પણ બચત કરવી જરૂરી છે. તમે કમાવાનું શરૂ કરો તે દિવસથી મહિને મિનિમમ રૂા. 5000થી 25000ની એસઆઈપી કરીને આ દિશામાં ડગ માંડી શકો છો. સામાન્ય માન્યતા એવી છે કે 20 વર્ષ સુધી એસઆઈપી-સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરનારાઓ જંગી વળતર મેળવી શકે છે. પરંતુ એક જ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક આ હકીકતમાં ગમે ત્યારે નડી શકે છે. છતાંય લેવા જેવું રિસ્ક છે. જોકે આ રિસ્ક આંશિક જ રહે તેવું આયોજન કરી શકાય છે. સ્ટોક માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. પાંચથી દસ બ્લ્યુચિપ કંપનીઓના શેર્સ લઈ શકે છે. આ શેર્સમાં ઇન્વેસ્ટ કરીને દસથી પંદર વર્ષ સુધી તે ભૂલી જઈ શકે છે. આ રીતે કરવામાં આવેલું રોકાણ ઘણીવાર મૂડીના 30થી 50 ગણું કે તેનાથીય વધુ વળતર અપાવી જાય છે. ટીસીએસના શેર્સ આવું જ એક ઇન્વેસ્ટમેેન્ટ છે. ઇન્ફોસિસ પણ આ જ રીતે રોકાણકારોને વળતર અપાવી ચૂકી છે. તેણે તેના માત્ર હજારોમાં ઇન્વેસ્ટ કરનારા ઇન્વેસ્ટર્સને કરોડોમાં રમતા કરી દીધા છે. રિલાયન્સ સારો શેર છે. પરંતુ તેના થકી કરોડપતિ બનનારાઓ ઇન્ફોસિસ કે વિપ્રો જેટલા નહિ હોય. આ કંપનીઓએ તેમના શેરહોલ્ડરને પણ કમાણી કરી આપી છે.
આ રિસ્કને કારણે રોકાણકાર ડૂબી ન જાય તે માટે તેણે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવું જોઈએ. પીપીએફમાં વરસે રૂા. 1.5 લાખ નિયમિત રોકાણ કરનારને 25 વર્ષ પછી રૂા. 1.25 કરોડ જેટલી રકમ મળી શકે છે. તેમ જ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડના નાણાં પણ પાકતી મુદતે પીપીએપની માફક ટેક્સ ફ્રી હોવાથી તેમાં પણ સારામાં સારી બચત કરવાનું આયોજન કરી શકાય છે. આ સિવાય પણ પોસ્ટની રિકરિંગ ડિપોઝિટમાં મહિને રૂા. 10000થી 25000ના રોકાણનું આયોજન કરી શકાય છે. 20 વર્ષે આ રોકાણનું મૂલ્ય વધીને 45 લાખની આસપાસ વધી જાય છે. રિકરિંગના વ્યાજ દર તમે ઇન્વેસ્ટ કરો ત્યારથી મેચ્યોરિટી સુધી એક સમાન જ રહે છે. તેથી દસ વર્ષની રિકરિંગ કરાવી શકાય છે. આ 45 લાખની બચત પર વર્ષે ત્રણથી સાડા ત્રણ લાખની વ્યાજની આવક કરી શકે છે. મધ્યમ વર્ગના લોકો માટે આ આવક એકલાને સસ્ટેઈન કરવા પૂરતી બની શકે છે.