નિશા ગોંડલિયાને તાજના સાક્ષી બનવું છે, પણ તેણે પહેલાં આરોપી બનવું પડે

અમદાવાદ, તા. 27

સુરતના બહુ ચર્ચીત બીટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે, પરંતુ  નિશાને આવી સલાહ આપનારાની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યું છે. તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે. આમ નિશાને તાજનો સાક્ષી થવું હોય તો પહેલા આરોપી થવું પડે અને કોર્ટમાં પહેલાં પોતાનો ગુનો કબૂલ કરી આખા કેસમાં પોતાની સંડોવણી કેવી રીતે થઈ તેની કબૂલાત કરવી પડે ત્યાર બાદ તેની સાથે રહેલા સહઆરોપીની ભૂમિકા શું હતી તેની તાજના સાક્ષી તરીકે જુબાની આપવી પડે. પણ નિશાનો વ્યવહાર જોઈ લાગી રહ્યું છે કે તે માને છે તાજના સાક્ષી થયા એટલે તે આરોપી બને નહીં, પણ તાજનો સાક્ષી જે થાય તેને કોર્ટ માફી પણ આપી શકે અથવા તેની સજામાં ઘટાડો પણ કરી શકે છે.

સુરતના બીટકોઈન કેસની સ્થિતિ  ડુંગળી જેવી છે જેમ જેમ તેના એક એક પડ ખોલતા જાવ અને અંદરથી બીજું પડ ખુલતું જાય તેવી છે. બીટકોઈન કેસના મૂળ ફરિયાદી શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ અને સીબીઆઈએ લૂંટી લીધા બાદ આ કેસની તપાસ કરી રહેલી ગુજરાત સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુદ શૈલેષ ભટ્ટ પણ આરોપી બની ચૂકયા છે. છેલ્લાં પંદર મહિનાથી ફરાર શૈલેષ ભટ્ટ પોતાના પરિવારના સભ્યો ઉપર ભરોસો અને સહારો હતો, પણ કરોડોની કિંમત બીટકોઈન જેને આપ્યા હતા તેવી સગી સાળી નિશા ગોંડલીયાએ એક નવી ચાલ ચાલતા શૈલેષ ભટ્ટની સ્થિતિ ઘર ફૂટે ઘર જાય તેવી થઈ છે. પોતાની સાથે વિશ્વાસધાત થયો છે અને દુબઈમાં છેતરપીંડી થઈ છે તેવો દાવો કરનારી નિશા ગોંડલીયા યોજનાપૂર્વક ખોટું બોલી રહી છે તેવું સીઆઈડી ક્રાઈમ જાણે છે. જેના કારણે સીઆઈડીના પ્રશ્નોના જવાબ આપવાને બદલે સીઆઈડીના અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે તેવો આરોપ મૂકયો છે.

બીટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધાયા પછી ફરાર થતાં પહેલાં શૈલેષ ભટ્ટે પોતાની સાળી નિશા ગોંડલીયાને એક ફોન આપ્યો હતો, જેના વોલેટમાં 850 બીટકોઈન હતા તે નિશા જાણતી હતી, પરંતુ પોતાના મિત્ર જીતુ સાથે મળી નિશાએ આ બીટકોઈન દુબઈના જયેશ પટેલને ત્યાં વગે કરી દીધા હતા, ત્યાર બાદ અચાનક જીતુની સંપત્તીમાં નોધપાત્ર વધારો થયો હતો, જયારે શૈલેષ ભટ્ટ દ્વારા બીટકોઈનની માગણી કરવામાં આવતા નિશાએ પોતાની સાથે છેંતરપીંડી કરી જયેશ પટેલે ફોન લઈ લીધો હોવાનો દાવો કર્યો હતો, પણ આ કેસમાં એક પગલું આગળ વિચારનારો નિશાનો મિત્ર જીતુ સમજી ગયો હતો કે જયારે પણ શૈલેષ ભટ્ટ પકડાશે અથવા પોલીસ સમક્ષ શરણાગતી લેશે ત્યારે શૈલેષ ભટ્ટ દ્વારા ધવલ માવાણી પાસે લૂંટી લીધેલા બીટકોઈન પાછા આપવા પડશે.

જો બીટકોઈન વેચી માર્યા છે તેવું જાહેર થાય તો નિશા અને જીતુ પણ આ કેસના આરોપી બને, જેના કારણે જયેશ પટેલે દગો કર્યો અને શૈલેષ ભટ્ટને સંબંધમાં છેતરી તેવું તકરટ ઊભું  કર્યું હોવાનું પોલીસ માની રહી છે. તેના જીવને જોખમ હોવાની વાતમાં પણ દમ નથી તેવું પોલીસ માને છે. આમ પોતે પણ આરોપી બને તે પહેલા નિશાએ સાક્ષી થવાની અરજી કરી છે, પરંતુ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનો મૂડ જોઈ તેને સાક્ષી બનાવે એમ નથી તેવો અંદાજ આવી જતા સીઆઈડી સામે પણ માનસિક ત્રાસ આપવાનો આરોપ કર્યો છે.