નિશીતા 10,000 ગરીબ છોકરીઓની રૂ.1 કરોડ ફી ભરશે

વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10 હજાર યુવતીઓની શાળાની ફી ભરીને યુવતીઓને ભણાવવાનું નક્કી કર્યું છે. આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને આ કામની શરૂઆત કરી હતી. દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેકને સીધો સ્કૂલમાં આપે છે અને ફી ભરી દે છે. ત્યારબાદ જે તે દાતાઓએ ચેક આપ્યો હોય છે, તેમાંથી જેટલી વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હોય તેની તમામ વિગતો દાતાઓને મોકલવામાં આવે છે.

ગત વર્ષે રૂ.69 લાખની છોકરીઓની ફીની ભરપાઈ કરી હતી. લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કથાકારે રૂ.25,000ની સહાય આપી છે અને આ સાથે નિશીતાને USAના ટ્રસ્ટો સહીત વિવિધ દાતાઓની સહાય મળી રહી છે.

એક કેન્સર ગ્રસ્ત પિતાની IAS ઓફિસર બનવાની ઈચ્છા ધરાવતી વિધાર્થીનીનો પણ સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીનીનું નામ કૃતિકા ભાટિયા છે. જે હાલ S.Y. B. Comમાં અભ્યાસ કરે છે. તેની અને તેના પિતાની ઈચ્છા એવી છે કે, કૃતિકા IAS ઓફિસર બને. કૃતિકાના પિતાને કેન્સરની બીમારી હોવાના કારણ તેને ચિંતા સતાવી રહી હતી કે, તે પોતાની IAS બનવાની ઈચ્છા કેમ પૂર્ણ કરશે ત્યારે એક દિવસ કૃતિકાનો સંપર્ક નિશીતા રાજપૂત સાથે થયો હતો, ત્યારે નિશિતા રાજપૂતે કૃતિકાને ફી ભરવાની હિંમત આપી હતી. જેના કારણે હવે કૃતિકા તેના માતા-પિતા અને તેનું IAS બનવાનું સપનું પૂરું કરી શકશે. પ્રવર્તમાન સમયમાં કમરતોડ શિક્ષણ ફી હોવાથી આર્થિક રીતે નબળા પરિવારજનો માટે પોતાની છોકરીઓની ઈચ્છા મુજબ શિક્ષણ આપવાનું મુશ્કેલ થઇ ગયું છે. એટલે ફી વિના કોઈ છોકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે છોકરીઓની શક્ય તેટલી ફી ભરી રહી છું.