નોકરિયાતોના કામકાજના કલાક આઠથી વધારી નવ કરી દેવાની દરખાસ્તનો મુસદ્દો સરકારે મૂક્યો

અમદાવાદ,તા. 04

કેન્દ્ર સરકારે નોકરિયાતોના કામકાજના કલાકો આઠથીવધારીને નવ કરી દેવાની દરખાસ્ત મૂકતો મુસદ્દો જાહેર કર્યો છે. આ મુસદ્દામાં વર્કિંગ અવર્સ આઠથી વધારીને નવ કરવાની દરખાસ્ત તો મૂકવામાં આવી છે, પરંતુ મિનિમમ વેજના ધોરણો અંગે પણ છ સૂચનો કર્યા છે. આ સાથે જ કેન્દ્રની ભાજપ સરકારની માલિકો તરફી મૂડીવાદી માનસિકતા અને પાયાના વેતન દરો ન દર્શાવીને કામદારોના હિતવિરોધી માનસિકતા છતી કરી છે. આ મુસદ્દામાં બેઝિક વેજ રેટ દર્શાવ્યા જ નથી. કેન્દ્રના શ્રમ મંત્રાલયે આ મુદ્દે દેશભરમાંથી શ્રમિક યુનિયનોના મંતવ્યો મંગાવ્યા છે. આગામી પહેલી ડિસેમ્બર સુધીમાં દરેકને પોતપોતાના મંતવ્યો જણાવવા માટેની છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ સરકાર આ મુદ્દે નિર્ણય લેશે.

વેતન માટેના પ્રાથમિક મુસદ્દામાં કેન્દ્ર સરકારે નોકરિયાતો માટે નવ કલાકનો સમયગાળો નક્કી કરવા ઉપરાંત તેમના પગાર નક્કી કરવા માટે નક્કી કરેલા ધોરણો મુજબ કામદાર કે કર્મચારીએ લીધેલા આહાર થકી તેને 2700 કેલેરી મળેલી હોવી જરૂરી હોવાનું પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. જોકે મિનિમમ વેજીસ એટલે કે પાયાના વેતનદરો અંગે સરકારે આ મુસદ્દામાં કોઈ જ ફોડ પાડ્યો નથી.પરંતુ પગારદર નક્કી કરવા માટે છ અલગ અલગ ક્રાયટેરિયા નક્કી કર્યા છે.

પગાર નક્કી કરવા માટે સરકારે નક્કી કરેલા છ ધોરણોમાં સ્ટાન્ડર્ડ  વર્કિંગ ક્લાસ ફેમિલી નક્કી કર્યું છે. તેમાં પતિ, પત્ની અને બે બાળકોના પરિવારને સ્ટાન્ડર્ડ વર્કિંગ ક્લાસ ફેમિલી તરીકે નક્કી કરવામાં આવ્યું છે. ત્રણ એડલ્ટ-પુખ્ત હોય તેવા પરિવારને પણ આ જ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આહાર અને વસ્ત્રો માટે કરવામાં આવતા ખર્ચના 10 ટકા ખર્ચ હાઉસ રેન્ટના ખર્ચ તરીકે ગણતરીમાં લેવામાં આવ્યો છે. આહાર અને વસ્ત્રોના ખર્ચ ઉપરાંત ઇંધણ પાછળ કરવામાં આવતા ખર્ચ, વીજબિલના ખર્ચ અને અન્ય પરચૂરણખર્ચને પણ આવરી લેવામાં આવ્યો છે. આ તમામ ખર્ચને મિનિમમ વેજના 20 ટકા ખર્ચમાં સમાવી લેવામાં આવ્યો છે. બાળકોના શિક્ષણ માટે કરવામાં આવતા ખર્ચને તથા મેડિકલ એક્સપેન્ડિચર તથા મનોરંજન માટેના ખર્ચને મિનિમમ વેજના 25 ટકા ખર્ચ ગણવામાં આવશે.

આ તમામ ક્રાયટેરિયાને આધારે મિનિમમ વેજ નક્કી કરવામાં આવશે. મિનિમમ વેજ નક્કી કરવા માટે એક બોર્ડની અલગથી રચના પણ કરવામાં આવશે. જુદાં જુદાં પરિબળોને ધ્યાનમાં લઈને આ બોર્ડ મિનિમમ લિવિંગ સ્ટાન્ડર્ડ નક્કી કરી આપશે. આ વિગતો દરેક રાજ્યની સરકારોને મોકલી આપવામાં આવશે. તેને આધારે સરકાર પાયાના વેતન દર નક્કી કરશે. પાયાના વેતન દરમાં પાંચ વર્ષે એકવાર જ સુધારો કે ફેરફાર કરવામાં આવશે. આ પાયાના દરનો આઠથી ભાગાકાર કરીને કલાક દીઠ વેતનના દર નક્કી કરવામાં આવશે. આ કલાક દીઠ દરને 26થી ગુણાકાર કરીને માસિક વેતન નક્કી કરવામાં આવશે. આ સાથે જ સમયાંતરે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાની દરખાસ્ત પણ તેમાં મૂકવામાં આવી છે.

મોંઘવારી ભથ્થા અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે કોસ્ટ ઓફ લિવિંગ એલાવન્સ અને આવશ્યક ચીજવસ્તુઓના સંદર્ભમાં મળતા કન્સેશનના રોકડ મૂલ્યને આધારે દર વર્ષની પહેલી એપ્રિલ અને પહેલી ઓક્ટોબરે મોંઘવારી ભથ્થું રિવાઈઝ કરવામાં આવશે. કર્મચારીઓને મિનિમમ વેજ પર કેટલું મોંઘવારી ભથ્થું આપવું તે પણ આ જ રીતે નક્કી કરવામાં આવશે. તેમાં મેટ્રો સિટી અને નોન મેટ્રો સિટિના ક્રાયટેરિયાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ગ્રામીણ વિસ્તારના દર અલગથી નક્કી કરવામાં આઇવશે. આ જ રીતે કાર્યકુશળ, કાર્યકુશળતા ન ધરાવતા અને અર્ધકાર્યકુશળ કર્મચારીઓના તથા અતિશય કુશળતા ધરાવતા કર્મચારીઓને અલગ અલગ કેટેગરીમાં મૂકીને તે પ્રમાણે વેતન દર અને તેના પ્રમાણમાં મોંઘવારી ભથ્થાના દર નક્કી કરવી આપવામાં આવશે. આ મુસદ્દામાં અલગ અલગ વ્યવસાયને કઈ કઈ કેટેગરીમાં મૂકવા તે પણ દર્શાવવામાં આવ્યું છે. દિવસના નવ કલાક કામના રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ જ મધરાત પછી કામ ચાલુ રહે તેવા કિસ્સામાં નાઈટ શિફ્ટ ગણવામાં આવશે.નાઈટ શિફ્ટ પછી એક આખા દિવસની રજા પણ આપવી પડશે.