અમદાવાદ,રવિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની ચલણી નોટ્સને રદ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી તે પછી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલા બિનહિસાબી રોકડને પકડી પાડવા માટે આવકવેરા ખાતાએ 17 પોઈન્ટની એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દેશના દરેક ઝોનમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને ડિરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સને આ ગાઈડલાઈન્સ મોકલી આપવામાં આવી છે. આ 17 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચકાસણી કરવામાં આવશે તો બિનહિસાબી રોકડ જમા કરાવનારાઓ ઝડપાઈ જવાની પૂર્ણ સંભાવના હોવાનું આવકવેરા ખાતાનું માનવું છે.
8મી નવેમ્બરે નોટ બંધીની જાહેરાત કરવામાં આવી તે પછી એટલે કે 9મી નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર 2016ના ગાળામાં બેન્ક ખાતાઓમાં કરવામાં આવેલા વહેવારોની ચકાસણી કરવામાં આવશે. જે ખાતામાં જમા કરવામાં આવેલી ડિપોઝિટ્સ શંકાસ્પદ જણાઈ હશે તે ખાતાધારકોને નોટિસ પાઠવવામાં આવશે. બેન્કના ખાતેદાર તેમણે જમા કરાવેલી રકમ અંગે કોઈ વાંધો રજૂ કરે તો તેમના વાંધાને બરાબર ધ્યાનમાં લેવાનો રહેશે. આ ચેકલિસ્ટ તૈયાર કરીને તેઓ હજારો કરદાતાઓને પાંચ દસ કેટેગરીમાં વિભાજિત કરી દેવા માગે છે. તેને આધારે તેઓ આગળની કાર્યવાહી કરવાનું આયોજન કરશે. માર્ચ 2020 સુધીમાં આ કવાયત પૂર્ણ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
બેન્ક ખાતેદારે રિટર્ન ફાઈલ કરવામાં કેટલી નિયમિતતા દાખવી છે. તેમ જ 2016-17ના નાણાંકીય વર્ષમાં કરદાતાને થયેલી કુલ આવક, વેરામુક્ત આવક ઉપરાંતની કુલ આવકને પણ ધ્યાનમાં લેવાની રહેશે. કરદાતાની કુલ આવકની તુલનામાં તેણે જમા કરાવેલી રોકડની રકમને ધ્યાનમાં લેવાની રહેશે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વાર્ષિક રૂા. 5 લાખની આવક ધરાવનાર વ્યક્તિએ કુલ કેટલી રકમ રોકડેથી બેન્કમાં જમા કરાવી છે. આ જમા કરાવેલી રકમ તેની આવકની તુલનામાં પ્રમાણસર છે કે વધુ છે તે જોઈને આકારણી અધિકારીએ તે અંગે નિર્ણય લેવાનો રહેશે. આ સંદર્ભમાં કરદાતા દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ તેણે જમા કરાવેલી રકમ અંગે નિર્ણય લેવાનો રહેશે. આ નિર્ણય લેતા પૂર્વે તેણે કેટલા પ્રમાણમાં રોકડ નાણાં જમા કરાવ્યા છે તેને પણ ધ્યાનમાં લેવું પડશે. વેપાર કરતા કરદાતાઓ દ્વારા સામાન્ય વરસો દરમિયાન રોકડનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનું પણ વિશ્લેષણ કરીને પછી નોટબંધી દરમિયાન તેમણે જમા કરાવેલી રકમ અંગે નિર્ણય લેવામાં આવશે.
કરદાતાએ આપેલો ખુલાસો સંતોષકારક છે કે પછી આંશિક રીતે સંતોષકારક છે અથવા તો પછી જરાય સંતોષ થાય તેવો ન હોવાની સ્પષ્ટતા તેમણે કરવાની રહેશે. વેચાણ કરવાને પરિણામે થયેલી રોકડની આવક જમા કરાવી હોઈ શકે છે અથવા તો વેચાણના કમિટમેન્ટ સામે એડવાન્સ પેમેન્ટ આવેલું હોઈ શકે છે. તેવી જ રીતે આ રકમ અન્ય કોઈ મૂડી અસ્ક્યામત થકી આવી હોય કે પછી ભેટ રૂપે આવી હોય કે લોનની પુનઃચૂકવણી માટે આવી હોય અથવા તો હાથ પર પડી રહેલી સિલક હોય તે તમામ સ્વરૂપે કરવામાં આવેલી રજૂઆતને આવકવેરા અધિકારીએ ધ્યાનમા લેવાની રહેશે.
વેટ રજિસ્ટર્ડ વેપારીઓની ચકાસણી કેવી રીતે કરાશે
વેટનું રજિસ્ટ્રેશન ધરાવનારા વેપારીઓ માટે અલગથી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. વેપારીએ તેના ત્રિમાસિક રિટર્નની વિગતોમાં નોટબંધી પછી કોઈ સુધારો કર્યો હોય તો તેની જાણકારી મેળવીને તેના અનુસંધાનમાં વેપારીઓ પાસેથી ખુલાસો માગવાનો રહેશે. વેપારીએ રજૂ કરેલા મૂળ રિટર્નમાં અને તેણે સુધારીને રજૂ કરેલા રિટર્નમાં ખરીદી અને વેચાણના આંંકડાઓમાં બહુ જ મોટો તફાવત જોવા મળે તો તેવા સંજોગોમાં તેણે કરાવેલા સુધારા અસલી છે કે બિનહિસાબી આવકને છુપાવવા માટે કરેલા છે તેની ખરાઈ કરવાની કોશિશ આવકવેરા અધિકારીએ કરવાની રહેશે. તેની પાછળના વિગતવાર કારણો અને સમજૂતીઓ વેપારીઓ પાસેથી માગવાની રહેશે. વેપારી પાસે મોટી રકમની રોકડ હાથમાં હોવા છતાંય તેણે બેન્કમાં થોડી રોકડ જમા કરાવી હોય કે થોડી રકમનો રોકડેથી ઉપાડ કર્યો હોય તો તેને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો રહેશે. સીબીડીટીએ જે મુદ્દાની ચકાસણી કરવા જણાવ્યું હોય તે મુદ્દાની બરાબર ચકાસણી કરવાની રહેશે. તેની આકારણીની પ્રક્રિયા ચેકલિસ્ટ પ્રમાણે કરવામાં આવી છે કે નહિ તે પણ જોઈ લેવાનું રહેશે. વેપારીએ રજૂ કરેલા હિસાબના ચોપડાઓ નકારી કાઢવામાં આવ્યા છે કે કેમ તેની પણ ચકાસણી કરવાની રહેશે.
વેપારીઓના હિસાબના ચોપડાંમાં કલમ 68થી કલમ 69ડી સુધીની જોગવાઈ હેઠળ કોઈ ઉમેરો કરવામાં આવ્યો છે કે કેમ તેની પણ ચકાસણી આવકવેરા અધિકારીએ કરવાની રહેશે.તેમ જ વેપારીએ ચૂકવેલો ટેક્સ કલમ 115બીબીઈની જોગવાઈ પ્રમાણે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. તદુપરાંત તેના પર કલમ 271એએસીની જોગવાઈ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે કે કેમ તેની પણ ચકાસણી કરવાની રહેશે. બિઝનેસનો પ્રકાર, હિસાબી ચોપડાઓની જાળવણી તથા સામાન્ય વરસોમાં વેપારીઓ દ્વારા કરાવવામાં આવેલી રોકડની વિગતોનું પણ વિશ્લેષણ કરવામાં આવશે.વેપારીઓના એપ્રિલ 2015થી માંડીને આઠમી નવેમ્બર 2016 સુધીના ગાળામાં થયેલા માસિક રોકડ વેચાણ અને રોકડ ડિપોઝિટના આંકડાઓની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તેણે જમા કરાવેલી રકમ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ કવાયતના ભાગરૂપે જ માર્ચ 2019માં આવકવેરા ખાતાએ નોટબંધી પછી તેમના રિટર્ન ફાઈલ ન કરનારા 87000 કરદાતાઓને નોટિસ પાઠવી હતી. આ કવાયત દરમિયાન આવકવેરા ખાતાની ઝપટમાં આવેલા કરદાતાઓ પર ભવિષ્યમાં પણ આવકવેરા ખાતું બારીક નજર રાખે તેવી સંભાવના છે. આવકવેરા ખાતાની આ ઝુંબેશ દરમિયાન ઝપટમાં આવનારા કરદાતાઓ અંગે આવકવેરા ખાતું વધારાની માહિતી પણ તેના અધિકારીઓના માધ્યમથી એકત્રિત કરશે. તેમ કરીને તેમની પાસે ક્યાંથી ભંડોળ આવ્યું તેની પણ તપાસ કરશે. નવમી નવેમ્બરથી 31મી ડિસેમ્બર 2016ના ગાળામાં અંદાજે 23.5 લાખ કરદાતાઓએ મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવી છે. આ રોકડ તેમની નોર્મલ આવક કરતાં વધારે હોવાનું જણાય છે. આ કરદાતાઓમાંથી 3 લાખ કરદાતાઓને આવકવેરા ખાતાએ નોટિસ ઇશ્યૂ કરી હતી. આ નોટિસ મળ્યા બાદ 2.1 લાખ કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરી દીધા હતા. તેમના થકી રૂા.6560.88 કરોડની વેરાની આવક થઈ હતી. આ કેટેગરીમાં આવતા અન્ય 90,000 કરદાતાઓને રિટર્ન જ ફાઈલ કર્યા ન હોવાથી આવકવેરા ખાતું તેમની તલાશ કરી રહી છે. આવકવેરા ખાતાએ આપેલા આંકડાઓ મુજબ શંકાસ્પદ વહેવારો કરનારા 23.5 લાખ કરદાતાઓમાંથી 17 લાખ કરદાતાઓએ નોટિસ મળ્યા પછી તેમના ઇ-રિટર્ન ફાઈલ કર્યા છે. તેમાંથી 14.5 લાખ પાન ધારકોએ 2015-16, 2016-17 અને 2017-18ના તેમના રિટર્ન ફાઈલ કર્યા છે. જાન્યુઆરી 2019ની સ્થિતિએ તેમાંથી હજીય 4.5 લાખ પાન નંબર ધારકોએ તેમના રિટર્ન ફાઈલ કર્યા નથી.