અમદાવાદ, તા.27
નોટબંધી પછી પોતાના બેન્ક ખાતામાં શંકાસ્પદ રકમ જમા કરાવનારાઓ 87000થી વધુ ખાતેદારોના રિટર્નની આકારણીની કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે. આ કામગીરી તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન ક્લિન મની હેઠળ અર્થતંત્રમાં થી બ્લેક મની દૂર કરવા માટે આ પગલાં લેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. નોટબંધી પણ આ કવાયત શરૂ કરવામાં આવી હતી. આવકવેરા ખાતાના આકારણી અધિકારીઓએ આ મુદત લંબાવી આપવા માટેની માગણી ગત જુલાઈ માસમાં કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે 87000થી વધુ શંકાસ્પદ કેસોનું પેપરવર્ક પૂરું કરવું અશક્યવત છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ સંદર્ભમાં ગુરુવાર, 26મી સપ્ટેમ્બરે એક ઓર્ડર ઇશ્યૂ કર્યો હતો. આ અગાઉ 30મી જૂનની ડેડલાઈન લંબાવીને 30મી સપ્ટેમ્બર કરી આપવામાં આવી હતી. નોટ બંધી પછી જે ખાતેદારોના ખાતામાં જંગી રકમ જમા કરાવવામાં આવી હોય અને તેમના ખાતામાં અગાઉ આટલી મોટી રકમના વહેવારો ન થયા હોય તેવા કિસ્સાઓમાં તપાસ કરીને કેસની આકારણી કરવાની સૂચના આપવામાં આવી હતી. આઠમી નવેમ્બર 2016ના નોટબંધી જાહેર કરવામાં આવી હતી. તેમાં રૂા.500 અને રૂા.1000ની ચલણી નોટ્સને ચલણને 31મી ડિસેમ્બર 2016 સુધીમાં સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ રીતને બેન્ક ખાતામાં શંકાસ્પદ આર્થિક વહેવારો કરનારા કરદાતાઓને આવકવેરા ધારાની કલમ 142(1) હેઠલ પહેલા નોટિસ આપવામાં આવી હતી. આ પ્રકારની નોટિસ અંદાજે ત્રણ લાખથી વધુ કરદાતાઓને આપવામાં આવી હતી. તેમાંથી 87000થી વધુ કરદાતાઓએ આકારણી વર્ષ 2017-18ના તેમના રિટર્ન જ ફાઈલ કર્યા નહોતા. આ 87000 કેસોમાં આકારણી અધિકારીઓને આવકવેરા ધારાની કલમ 144 હેઠળ તેમની શ્રેષ્ઠ ક્ષમતાનો ઉપયોગ કરીને આકારણી કરીને નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી હતી.
કલમ 144માં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈપણ કરદાતા કલમ 142(1) હેઠળ આપવામાં આવેલી નોટિસ મુજબની વિગતો આકારણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં કરદાતાઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપીને આકારણી અધિકારી દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિગતોને આધારે તેની કુલ આવકની ત્રિરાશી માંડીને પછી તેને આધારે ટેક્સની જવાબદારી નક્કી કરી શકે છે.
આકારણી અધિકારી આ કામગીરી શાંતિથી પૂરી કરી શકે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે તેના ડેટા માઈનિંગ વિભાગને કરદાતાનું સરનામું, બેન્કના એકાઉન્ટ નંબર અને 87000 વ્યક્તિગત બેન્ક એકાઉન્ટમાં કરવામાં આવેલા આર્થિક વહેવારોની વિગતો પૂરી પાડવાની સૂચના આપવામાં આવી હતી. તેને આધારે કરદાતાના આવકવેરાના રિટર્નનું વિગતવાર વિશ્લેષણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ કરદાતાઓએ ભૂતકાળના વરસોમાં જમા કરાવેલા આવકવેરાના રિટ્રનની વિગતો સાથે આકારણી વર્ષ 2017-18ના વર્ષના રિટર્નની સરખામણી કરીને તેમની પોતાની રીતે નિર્ણય લેવાની પણ સૂચના આપવામાં આવી હતી. તેને આધારે તેમના ખાતામાં કરવામાં આવેલા આર્થિક વહેવારોની સચ્ચાઈની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. તેને આધારે જ તેમની વેરાાની જવાબદારી નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
તેમના બેન્ક ખાતામાં અન્ય કોઈ વ્યક્તિના નાણાં જમા કરાવવામાં આવ્યા હોય તો તેમના અંતિમ લાભાર્થી કોણ છે તે પકડી પાડીને તેની આકારણીની વિગતો પણ જોવાની સૂચના આપવામાં આવી હતી. અન્ય કોઈ લાભાર્થી હોય તો તેની વિગતો જે તે કાર્યક્ષેત્રના વોર્ડ અધિકારીને મોકલી આપવાની સૂચના પણ આપવામાં આવ ીહતી. આ રીતે કરવામાં આવેલા આર્થિક વહેવારોમાં હવાલા ટ્રેડ જેવા કે એન્ટ્રી પ્રોવાઈડર જેવા કિસ્સાઓ બહાર ાવે તો તેવા સંજોગોમાં અંતિમ લાભાર્થી દ્વારા તેમને આપવામાં આવેલા કમિશનની રકમ પર પણ ટેક્સ લગાવવાની સૂચના સીબીડીટીએ આપી હતી. આ રીતે સામાન્ય કરદાતા અને ટેક્સની ચોરી કરનાર કરદાતા વચ્ચેની કડી પ્રસ્થાપિત કરીને કરચોરી કરનારાઓને ઝડપી લેવાની સૂચના આપવામાં આવી હતી.