પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ

ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૨૬.૨૭૦ ગ્રામ ડ્ર્ગ્સ ઝડપી પાડ્યુ હતું જેની કિંમત રૂપિયા ૧૦,૫૦,૮૦૦/- જપ્ત કર્યો છે. પોલીસે હેરોઇન વેચનાર મૂળ પંજાબના આરોપી અમરજીતસિંઘ પ્યારાસિંઘ ખાલસાને હેરોઇન વેચવાના વજનકાંટા, પેંકિંગ માટેની સિલ્વર ફોઈલ્સ, મોબાઈલ ફોન, ૨૮૦૦ રૂપિયા રોકડા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીને અંજાર પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે આ ગુનાની તપાસ પૂર્વ કચ્છ એસઓજીને સોંપવામાં આવી છે. દેશમાં ડ્રગ્સ વેચવાના કિસ્સામાં અને યુવાપેઢીમાં ડ્રગ્સના વ્યસનના મામલે પંજાબ આજે ‘ઉડતા પંજાબ’ તરીકે ઓળખાય છે. કચ્છમાં દરિયાઈ રસ્તેથી ડ્રગ્સ ઘુસાડવામાં ડ્રગ્સ કેરીયરો અને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. પણ, પ્રથમ જ વાર કચ્છમાં પંજાબ કનેક્શન નીકળ્યું છે. ગુજરાત પોલીસ ઉપર ગુજરાત ઉડતા ગુજરાત ન બને તેની સૌથી મોટી જવાબદારી છે.