પાકિસ્તાનમાં જવા માગતાં જૂનાગઢ રાજ્યને ભારતમાં ભેળવીને નવાબને પાકિસ્તાન ભગાડી દેવાનું બહાદૂરી ભર્યું કામ કરનારા સરકાર પટેલની સાચી જન્મ જયંતીની ઉજવણી હાર્દિક પટેલ દ્વારા જૂનાગઢમાં કરવાની જાહેરાત કરી છે. જૂનાગઢ જિલ્લામાં સરદાર જયંતી 31 ઓક્ટોબર 2018ના રોજ 50 હજાર લોકો એકઠા થઈને સરકારને અંજલી આપશે એવું પાસ દ્વારા નકકી કરાયું છે.
હાર્દિક પટેલે આ સંદર્ભ સાથે જણાવ્યું હતું કે, જે સરદાર પટેલ એમ કહેતા કે ચીન એ ક્યારેય ભારતનું મિત્ર ન હોઈ શકે, એમની જ પ્રતિમા ચીનાઓ જ બનાવી રહ્યા છે તેનાથી મોટું તેમનું અપમાન શું હોઈ શકે ? સરદાર ક્યારેય એવું ન ઈચ્છે કે તેમની પ્રતિમા પાછળ રૂપિયા 3,000 કરોડ ખર્ચાય. આટલા રૂપિયા ભાજપ સરકારે વધું ઉત્પાદન આપતી મગફળીના નવી જાત શોધવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાનીઓને આપ્યા હોત તો પણ ખેડૂતોનો ઉદ્ધાર થઈ શક્યો હોત.
બાવળીયા પણ જશે, નર્મદાનું પાણી કેમ નહીં
કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જઈને ચાર કલાકમાં પ્રધાન બની ગયેલાં કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણમાં પંચાયતની બેઠકની પેટા ચૂંટણી ભાજપ હારી ગયો તે અંગે પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજુ તો એક બેઠક ગઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણી આવવા દો બાવળીયા પણ જશે. પક્ષાંતર કરીને પ્રજા સાથે ખરાબ કરે તે જાય જ. આપણે જવાબદાર છીએ કે આવા તકવાદીઓને ચૂંટી મોકલીએ છીએ. વિચારો બદલીશું તો રાજનીતિ બદલાશે. મને શું સૂઝ્યું કે રૂપાણી મુખ્યમંત્રી પદેથી જવાના એમ મેં જાહેર કરી દીધું. મારા કારણે જ એ બચી ગયા. હવે મારો દાવો એવો છે કે છ જ મહિનામાં ગુજરાત પાણી માટે વલખાં મારશે. કુદરતી પાણીના સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી, ખેતી ભાંગી રહી છે. નર્મદાની સપાટી 126 મીટર છે તો કેમ કેનાલમાં પાણી નથી આવતું ?.