સામાન્ય રીતે રાજકારણમાં પક્ષ અને વિપક્ષ હોય છે. અને હંમેશા એકબીજાની સામે આરોપ પ્રતિઆરોપ કરતાં હોય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં જુનાસાવર ગામનાં દાતાએ બનાવેલું અદ્યતન બસસ્ટેન્ડનાં લોકાર્પણ કાર્યક્રમમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસનાં નેતાઓ વિરોધ ભૂલીને એક થઈને એક મંચ પર બેસીને વિકાસમાં સાથે હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે ગુરુવારે આધુનિક બસ સ્ટેન્ડનો લોકાર્પણ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના હસ્તે કરવામા આવ્યો હતો. ગામના જ વતની અને અમદાવાદ સ્થિત ઉધ્યોગપતિ સ્વ. મનુભાઈ ડાહ્યાભાઈ કાનાણીના પરિવારે ગામની અનેક સુખાકારી માટે યોગદાન આપ્યું છે. ત્યારે આજે નવા આધૂનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામા આવ્યું. જુનાસાવર ગામના વતની અને રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આ બસ સ્ટેન્ડ ખૂલ્લું મૂક્યું હતું. ત્યારે આ પ્રસંગે કુમાર કાનાણી અને અમરેલી સાંસદ નારણ કાછડીયા, સાવરકુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત, રાજુલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર, લાઠી બાબરા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સહિતના ભાજપ કોંગ્રેસના હોદેદારોનુ સન્માન દાતાઓ અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ,ત્યારે ગામના વિકાસ માટે પક્ષાપક્ષીથી પર રહી આ કાર્યક્રમમાં એક મંચ પર આવી માત્ર વિકાસને જ મહત્વ આપતા આ પ્રસંગને દાતાઓએ એક નવો જ લોક સંદેશ આપ્યો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રી અને જુનાસાવરના વતની એવા કુમાર કાનાણીએ રાજકારણ અને પક્ષને બાજુએ મૂકી વિકાસના કામમાં સૌને સાથે રહી સૌનો સાથ સૌનો વિકાસની વાતને સાર્થક કરતી આ ઘટના ગણાવી હતી. ત્યારે વિધાનસભામા સામસામે આક્રમક ચર્ચાઓ કરતા ભાજપ કોંગ્રેસના સદસ્યો આજે એક મંચ પર હસતા મુખે જોવા મળ્યા હતા.
મહત્વની વાત તો એ છે કે ગામની સુખાકારી માટે ગામના દાતાઓનુ કેટલું યોગદાન છે એ મહત્વનું નથી, વતન માટે કાંઈક કરી છૂટવાની ભાવના જ અગત્યની છે. જે જુનાસાવરમાં કાનાણી પરિવારે ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે.