પત્રકારને સુરક્ષા આપવા અને ચીરાગ પટેલની ઝડપી તપાસ માટે સરકારને રજૂઆત

પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમ જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી.

ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટેલ, અભિજિત ભટ્ટ, દર્શના જમીનદાર અને ગૌરાંગ દ્વારા પત્રકારોની સુરક્ષા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત પત્રકાર સુરક્ષા અને વેલફેર મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી. પત્રકારોની સુરક્ષા અને વેલફેર મામલે પત્રકાર અકાદમી સક્રિય કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સ્વ. ચિરાગ પટેલના અપમૃત્યુ મામલે ગૃહ રાજ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાથે પત્રકાર સુરક્ષા સમિતિની એક બેઠક તાકિદે યોજવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે.

આવેદનપત્ર અને રજૂઆત અક્ષરશઃ આ પ્રમાણે છે.

ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિ
GUJARAT JOURNALISTS SAFETY COMMITTEE

ગુજરાતના પત્રકારોની સુરક્ષા અંગે ગુજરાતના પત્રકારોનું માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર
૧૫ મે ૨૦૧૯
પ્રતિ
માન.શ્રી વિજયભાઈ રૂપાણી
આદરણીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર

માનનીય શ્રી વિજયભાઈ,
કુશળ હશો.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પત્રકારો પર થઈ રહેલા હુમલાઓથી અમે સૌ પત્રકારો ચિંતિત છીએ. તાજેતરમાં પત્રકારો પરના હુમલાની ઘટનાઓ આપણા ધ્યાને આવી જ હશે અને આ આવેદનપત્ર મારફત અમો પણ આપના ધ્યાને આવી ગંભીર બાબતને મૂકીને તત્કાળ યોગ્ય પગલાં લેવાનો આગ્રહ કરીએ છીએ.રાજ્યમાં પત્રકારો પોતે જ અસુરક્ષિત હોય ત્યારે તેઓ મુક્ત રીતે પોતાની ફરજ બજાવવામાં કેવી મુશ્કેલી અનુભવે એ આપ સમજી શકો છો.

ગુજરાતમાં પત્રકારો પર વધતા જતા હુમલાઓ અને પત્રકારોને અપાતી ધમકીઓના વધેલા બનાવોને અમે અખબારી આઝાદી માટે જોખમી લેખીએ છીએ એટલે આવા કેટલાક બનાવો આપના ધ્યાને મૂકવાનું પસંદ કરીએ છીએ.

૧) તાજેતરમાં જુનાગઢમાં પોલીસ દ્વારા ફરજ પરના પત્રકાર – કેમેરામેન વિપુલ બોરીચા પર પોલીસ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ અમારી માગણી છે, કે સરકાર જેને આરોપી માને છે એવા આ પોલીસવાળાઓ સામે ગુનો દાખલ કરી, એફ આઈ આર નોધવા તેમજ કાયદેસર ખાતાકીય પગલાં ભરવામાં આવે, એવી અમારી માંગણી છે.
૨) આવા બનાવોમાં સૌથી વધુ ગંભીર બનાવ ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મૃત્યુનો છે. તા.૧૬-૦૩-૨૦૧૯ના રોજ ચિરાગની લાશ સળગેલી હાલતમાં કઠવાડા વિસ્તારમાથી મળી હતી.. લગભગ બે મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પોલીસ તપાસ તેના પરિવાર કે અમારા માટે સંતોષજનક નથી.
૩) વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા હમણાં સ્થાનિક પત્રકારોને ખુલ્લેઆમ ધમકીઓ અપાઇ છે.
૪) અમદાવાદના સરદારનગર ખાતે ફોટો જર્નાલિસ્ટ પ્રવિણ ઈન્દ્રેકર પર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૮માં હુમલો કરાયો અને અત્યાચાર ગુજારાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે.
૫) ૨૦૧૬માં જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યા એમની કચેરીમાં જ કરવામાં આવી હતી.

૬) અરવિંદ સોલંકી પર ટોળા દ્વારા હુમલો થયો હતો.
૭) જામનગર લાલપુરના પત્રકાર સંજય જાની પર બૂટલેગરો દ્વારા હુમલો થયો હતો.
૮) જૂનાગઢ તાલાલાના પત્રકાર સરદારસિંહ ઝાલા પર પણ હુમલો થયો હતો.
૯) અજાણ્યા શખ્સો દ્વારાપ્રેસ ફોટોગ્રાફર કિમિલ શેખ પર હુમલો કરી તેનો કેમેરા તોડીને તેને માર મારવામાં આવ્યો હતો.
૧૦) રાજકોટ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દ્વારા રહીમ લાખાણી પર હુમલો કરાયો હતો.
૧૧) અકિલાના પત્રકાર સુનિલ મકવાણા પર હુમલો કરાયો હતો. તેમને માથામાં ઈજા કરી હતી.
૧૨) વડોદરાના પત્રકાર રૂપેશ ચોકસી પર પોલીસ દ્વારા હુમલો કરાયો
૧3) દ્વારકામાં અશોક ભાટેલીયા અને તેના ઘર પર બે વખત હુમલા થયા હતા.
૧૪) વર્ષ ૨૦૧૫માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા પત્રકારો પર ૮ હુમલા કરાયા હતા.

પત્રકારોની સલામતીની બાબતમાં સમૂહચિંતન કરવા માટે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બગીચામાં રાજ્યના પત્રકારોની એક વિશાળ બેઠક તા.૯ એપ્રિલ ૨૦૧૯ના અને ૧૩મે ૨૦૧૯ના રોજ મળેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનો આ મુજબ હતાં:

૧) પત્રકારોને વિશ્વાસમાં લઇ પત્રકારોની સલામતી માટે “પત્રકાર સુરક્ષા કાયદો” બનાવવામાં સરકારશ્રી તાત્કાલિક ધોરણે સક્રિયતા દાખવે.
૨) પત્રકારોની સલામતીની બાબતમાં યોગ્ય પગલાં લેવા માટે ૧૫ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી.
૩) ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા માટે તત્કાળ પગલાં ભરવા સરકારને જણાવવું.
૪) પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકિત કરવા માટે કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાં રૂકાવટ, બનાવટી પોલીસના પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે.
૫) ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે.
૬) મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.
૭) જ્યારે પણ હુમલા થાય ત્યારે સંબંધિત પત્રકાર એકલા નથી, એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી.
૮) દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજ્ય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશો સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે, જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે ૧૫ સભ્યોની રાજ્ય સંકલન સમિતિને જાણ કરે.
૯) દરેક જિલ્લાની પોલીસ એડવાઈઝરી કમિટીમાં એક પત્રકાર-પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. તેમજ રાજ્ય કક્ષાએ પણ આવી સમિતિ બને અને એમાં પત્રકારોને પ્રતિનિધિત્વ મળે.
૧૦) એક્રેડિટેડ અને નોન-એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામાં સામેલ કરવામાં આવે અને વીમાની રકમ વધારીને રૂપિયા ૫ લાખ કરવામાં આવે.
૧૧) સૌ પત્રકારોને “મા વાત્સલ્ય યોજના”નો લાભ મેળવવામાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે.

રાજ્યના પત્રકારોની ઉપરોક્ત ભાવનાનો આદર કરીને આપ વ્યક્તિગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરો એવી અપેક્ષા કરીએ છીએ. એ કામકાજમાં અને પત્રકારોના હિતમાં આપ જે પહેલ કરો એમાં અમો સહકાર આપવા તૈયાર છીએ.ગુજરાતમાં પત્રકારોમાં રહેલી અસલામતીની ભાવના દૂર કરવામાં આપણે સૌ કટિબદ્ધ બનીએ.
આભાર સહ.
લિ. અમો છીએ,
ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો,

ડૉ. ધીમંત પુરોહિત 98798 10101
ડૉ. હરિ દેસાઈ 98985 43881
દિલીપ પટેલ 98250 45322
પદ્મકાંત ત્રિવેદી 99798 76123
ભાર્ગવ પરીખ 98250 21413
ટીકેન્દ્ર રાવલ 98258 82534
દર્શના જમીનદાર 98790 24522
અભિજિત ભટ્ટ 90990 37727
ગૌરાંગ પંડયા 99099 69099
પ્રશાંત પટેલ 98984 45466
જીજ્ઞેશ કાલાવડિયા 98250 20064
નરેન્દ્ર જાદવ 99099 41524
યુનુશ ગાઝી 92275 52225
ચેતન પુરોહિત 98252 24924
દિપેન પઢીયાર 99788 97711