હમણાં અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગપતિ રાહુલ શુકલ ગુજરાતમાં છે, એમની પિતૃતર્પણ જેવી સ્મરણકથા ‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે. પિતા ભાનુભાઈ શુક્લ પત્રકાર સુરેન્દ્રનગરના જાહેરજીવનની અગત્યની વ્યક્તિ અવસાન પામે છે એની આસપાસની વેદનાભીની વાતો, સ્મરણો રાહુલભાઈ આ ‘વિયોગ’માં પ્રયોજે છે. પિતા ‘સમય’ (સાપ્તાહિક) ચલાવતા. એટલે લેખકના મનમાં સકારાત્મક પત્રકારિતાની ઊંડી અસર પડી છે. આજે લેખક એસ.એસ.વ્હાઈટ નામની અમેરિકાની ખૂબ જ જાણીતી કંપની ચલાવે છે, અને દુનિયાનાં તમામ વિમાનોમાં (રશિયન મીગને બાદ કરતાં) તેમના સ્પેરપાર્ટ્સ હોય છે અને એમની શુક્લા મેડિસિન્સ જેવી કંપની થકી ઇમ્પ્લાન્ટેડ અંગોને લગતાં યંત્રોથી મેડિકલ ઇક્વીપમેન્ટસ જગતમાં પ્રસરેલો એમનો શબ્દ જ્યારે પોતાના પિતા વિશે લખે છે ત્યારે અશ્રુભીનો લાગે છે. અહીં વતનઝુરાપો કે વિરહવેદના નથી, પણ એક પ્રકારના ખાલીપાનો દર્દ-દસ્તાવેજ છે, એક પ્રકારની વેદના છે જે થોડી સૂક્ષ્મ પ્રકારની છે. વળી, માતા-પિતા સાથેના સંબંધો અને સંવેદનોને શબ્દ સુધી લાવવા મુશ્કેલ હોય છે તેની અભિવ્યક્તિ રાહુલ શુક્લ સરળ ભાષાથી કરે છે. અહીં શૈલીની વિશેષતા એમાં વપરાતી વીઝ્યુલાઈઝેશન ટેક્નીક છે. એ સ્વપ્માં પિતા સાથે વાત કરે છે, અને એમાં જીવંત પાત્રો આવે છે, મૃત્યુ પામેલા પિતા વાત કરે છે. આ રીતે રજૂ થતી ખૂબ જ નાજુક ક્ષણોનું કથન વાચકને પકડી રાખે છે તે તો ખરું પણ મરણોત્તર આ સંવાદો લેખકની અધૂરી રહેલી ઇચ્છા અભિવ્યક્તિ પામે છે. કદાચ એ દરિયાપારથી આ કથા લખવા ના બેઠા હોત અને અહીં જ કો’ક કોર્પોરેટ-મુખિયા બન્યા હોત તો આવું આકલન કરી શક્યા હોત તે એક પ્રશ્ર્ન છે. અહીં વતનઝુરાપાની એક જુદા જ પ્રકારની લાગણી શબ્દ પામે છે.
દરિયાપારના લેખકો ત્યાંની સંઘર્ષભરી જિંદગીમાં સફળતા પામે છે
લેખક અમેરિકન પારદર્શકતામાં જીવે છે એટલે આ પુસ્તક પોતે કેવી રીતે અને શા માટે લખ્યું એ દર્શાવે છે. એમની કેફિયત જે વાંચી છે અને સાંભળી છે એમાં એમની લાગણીશીલતા છલકાયા કરે છે. દરિયાપારના લેખકો ત્યાંની સંઘર્ષભરી જિંદગીમાં સફળતા પામે છે. પછીથી આ પ્રકારના ઊર્મિલ દસ્તાવેજમાં અમેરિકાની કાર્યસંસ્કૃતિ અને એમના મનમાં પડેલા ગાંધી-પ્રભાવિત સંસ્કારોને કેવી રીતે જીવનમાં ઉતારે છે તે રાહુલકથામાંથી જોવા-સાંભળવા મળે છે. એક વૈજ્ઞાનિક અને કોર્પોરેટ જગતના વ્યક્તિ સાહિત્યિક કૃતિ રચે એ બનાવ અગત્યનો છે. આવી કૃતિથી દરિયાપારના આપણા સર્જકોની મનોભૂમિનો પરિચય થાય છે, સચવાયેલી ભાષા અને અસ્મિતાની સુગંધ પણ સાંભળી શકાય છે. લાગે છે, ભાનુ અહીં આથમી ત્યાં ઊગે છે, ત્યાં લખાઈ અહીં પૂગે છે. નીતિન વડગામાની વિખ્યાત પંક્તિ દરિયાની લહેરોની છાલકમાં સંભળાય છે, ‘પોથીને પ્રતાપે ક્યાં ક્યાં પૂગિયાં?’