11 DECEMBER 2013
પપૈયાની ખેતી કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉંચો ભાવ મળવાની સંભાવના : રાજ્યમાં પપૈયાંના ૧૮ હજાર હેકટરમાં થતા વાવેતરથી ૧૦ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન : રાજકોટ જિલ્લામાં પપૈયાની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૧૧૦ ટન
રાજ્યમાં પપૈયાંની ખેતી આજે બાગાયત પાકોમાં ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. ઓછા ખર્ચમાં સારી આવક આપતો પાક આજે ૧૮ હજાર હેક્ટરમાં થઇ રહ્યો છે અને દર વર્ષે એક હજાર હેકટરમાં પપૈયાંનો પાક વધી રહ્યો છે. દેશમાં પપૈયાના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર દબદબો ધરાવે છે. જ્યાં નવેમ્બરમાં વરસાદને પગલે પપૈયામાં પાકમા બગાડ અને મધ્યપ્રદેશમાં પાક ઓછો થવાના અંદાજ વચ્ચે પપૈયાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ફાયદો થવાની સંભાવના છે.
૨૦૧૧-૧૨માં પપૈયાનું રાજ્યમાં કુલ ઉત્પાદન ૧૦.૬૦ લાખ ટન હતું જે કેરીના ઉત્પાદન કરતાં પણ વધુ હતું. પપૈયાંના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે છે જ્યારે વાવેતરમાં પ્રથમ ક્રમે છે. આંધ્રપ્રદેશમાં વાવેતર ફક્ત ૧૪ હજાર હેક્ટરમાં થાય છે, પરંતુ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધારે હોવાથી આંધ્રપ્રદેશમાં ૧૧.૮૯ લાખ ટન પપૈયાનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં પપૈયાંનું સૌથી વધુ વાવેતર આણંદ જિલ્લામાં થાય છે. જોકે, કચ્છ જિલ્લાની પ્રતિહેક્ટર ઉત્પાદકતા વધારે હોવાથી કચ્છ ઉત્પાદનમાં રાજ્યમાં સૌથી મોખરે છે. રાજકોટમાં પપૈયાંનું વાવેતર ઓછું થાય છે, પરંતુ પ્રતિહેક્ટર ઉત્પાદકતા માં રાજકોટ જિલ્લો પ્રથમ છે. રાજકોટની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૧૦ ટન છે.
કચ્છમાં હેકટરદીઠ ઉત્પાદકતા ૧૦૭ ટન
કચ્છમાં બાગાયત પાકોમાં પપૈયાંના પાકનો હિસ્સો મોટો છે. કચ્છમાં ખેડૂતો ૨ હજાર હેક્ટરમાં ટિશ્યૂકલ્ચર રોપાથી પપૈયાંનું વાવેતર કરી રહ્યા છે. કચ્છનું હવામાન પપૈયાંના પાકને અનુકૂળ આવવાની સાથે કચ્છના ખેડૂતોને એરંડા અને કપાસની તુલનામાં પપૈયાંની ખેતીમાં સારી આવક આવતી હોવાથી ખેડૂતો પપૈયાંના પાક તરફ વળ્યા છે. બે ત્રણ વર્ષ પૂર્વે પપૈયાંના પાકમાં કિલોએ ખેડૂતોને રૃપિયા ૩થી ૪ રૃપિયાનો મળતો ભાવ હવે કિલોએ રૃપિયા ૫થી ૬નો મળવા લાગ્યો છે. કચ્છમાં કરારની જેમ ખેડૂતના ખેતરમાંથી જ ભાવ નક્કી કરી વેપારી પપૈયાંનો પાક સીધો જ લઈ જતા હોવાથી ખેડૂતને વેપારીઓ શોધવા માટે નીકળવું પડતું નથી. કચ્છમાં પપૈયાની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારે હોવાથી ખેતી વધી રહી છે.
રાજ્યમાં પપૈયાંની ઉત્પાદકતામાં કોડીનાર પંથક મોખરે
રાજ્યમાં પપૈયાંની ખેતીમાં ઉત્પાદકતામાં રાજકોટ જિલ્લાનો કોડીનાર પંથક રાજ્યભરમાં અગ્રેસર છે. કોડીનાર પંથકનું હવામાન પપૈયાંના પાકને માફક આવતું હોવાથી અહીં પપૈયાંની ખેતી કરનાર ખેડૂતને બખ્ખા થાય છે. પપૈયાંમાં જોવા મળતો યલો મોજિક નામનો વાઇરસ પણ કોડીનાર પંથકમાં જોવા મળતો નથી. આ અંગે બાગાયત અધિકારી ઘનશ્યામભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેરના પાંચદ્વારકા, ચીંગાવદર ગામમાં ખેડૂતો મોટાપાયે પપૈયાંની ખેતી કરે છે. આ ખેડૂતોની પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૧૦ ટન છે.
પપૈયાંની ખેતીમાં અગ્રેસર રાજ્યના જિલ્લા
જિલ્લો વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
આણંદ ૨,૫૨૫ ૧,૦૬,૮૩૩ ૪૨.૩૨
કચ્છ ૨,૩૩૫ ૨,૫૨,૦૧૭ ૧૦૭.૩૯
વડોદરા ૧,૯૨૫ ૭૯,૬૮૦ ૪૧.૩૯
તાપી ૧,૭૦૦ ૧,૦૫,૪૦૦ ૬૨.૦૦
ભરૃચ ૧,૧૭૫ ૫૨,૦૫૨ ૪૪.૩૦
સા.કાં ૧,૬૮૦ ૮૯,૦૪૦ ૫૩.૦૦
ખેડા ૯૬૬ ૪૧,૮૩૮ ૪૩.૩૧
રાજકોટ ૧૯૦ ૨૦,૯૦૦ ૧૧૦
નોંધઃ વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન ટનમાં જ્યારે ઉત્પાદકતા હેક્ટરદીઠ ટનમાં છે. – કરણ રાજપુત