પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨.૯૦ કરોડની ટેક્સ ફ્રી બચત થઈ શકે

અમદાવાદ,તા:૧૩

શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સરકાર દ્વારા દરેક નાગરિકના ભાવિની સલામતી માટે ચલાવવામાં આવતી પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજના સૌથી વધુ સલામત અને નિશ્ચિત વળતર આપતી યોજના છે. તેમાં તમારી મૂડી ઓછી થવાનો કોઈ જ સવાલ નથી. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારના ઇન્વેસ્ટમેન્ટને સસલાની ઝડપથી વળતર આપતા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં મૂકી શકાય છે. પરંતુ પીપીએફ તો કાચબાની ગતિએ નિશ્ચિત ડેસ્ટિનેશન સુધી લઈ જ જનારું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે રોકાણકારોએ નક્કી કરવાનું છે કે તેને સલામત મળતર જોઈએ છે કે જંગી આવકની આશા સાથે અનિશ્ચિત આવક કરવાની આશા સાથે જીવવું છે. દરેક રોકાણકારોએ પોતાની રીતે નક્કી કરવાનું છે કે તેણે આ બે વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરવો છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ધીમી ગતિએ વધતું પરંતુ સલામત રોકાણ છે. તેમાં જમા કરાવવામાં આવેલી રકમના વ્યાજનું પણ વ્યાજ વરસે વરસે મળ્યા કરે છે. પાકતી મુદતે એટલે કે 15 વર્ષ પછી તેનો ઉપાડ કરવામાં આવે તો તેના પર કોઈ જ વેરો-આવકવેરો લાગતો નથી. આમ ઇન્વેસ્ટમેન્ટ કરતી વેળાએ તેમાં કરેલા રોકાણની રકમ તમને તમારા પર લાગતા વેરામાં તમારી આવકના સ્લેબ પ્રમાણેનો લાભ અપાવે છે. તદુપરાંત પાકતી મુદતે તમે તેમાંથી જે રકમ ઉપાડો  તે રકમ સંપૂર્ણ પણે વેરા મુક્ત છે.

હવે તો સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતામાં 15 વર્ષ પૂરા થયા પછી પાંચ પાંચ વર્ષના એક્સટેન્શન આપવાની સિસ્ટમ પણ દાખલ કરી દીધી છે. આ રીતે જો કોઈ ઇન્વેસ્ટર 25 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વાર્ષિક રૂા.1.5 લાખનું રોકાણ કરવાનું ચાલુ રાખે અને 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી આ ઇન્વેસ્ટમેન્ટને જાળવી રાખે તો નિવૃત્તિ ટાણે તેને તેના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીની રકમ ઉપરાંત રૂા. 2.9 કરોડ મળી શકે છે. આ રકમમાં તે તેનો નિવૃત્તિ કાળ આસાનીથી વીતાવી શકે છે. છેલ્લા પાંચ સાત વર્ષની વાત કરવામાં આવે તો પીપીએફમાં સરેરાશ 8 ટકાના દરે વ્યાજ મળતું આવ્યું હોવાનું જોવા મળે છે. સરકાર પાસે સોશિયલ સિક્યોરીટીની સિસ્ટમ એટલે કે આખી જિંદગી કરવેરો ભરનારા નાગરિકોને વિશ્વના વિકસિત દેશોમાં આપવામાં આવે છે તેવું પેન્શન કે પછી નિભાવ ખર્ચ આપવાની સુવિધા ભારતમાં ન હોવાથી ભારત સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દરને બહુ નીચે લઈ જઈ શકે તેમ છે જ નહિ. સરકાર આ હિમ્મત કરે તો તેના માઠાં પરિણામ સરકારે ભોગવવા પડી શકે છે. અત્યારે આ યોજના હેઠળ રોકાણકારોને 7.9 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. આગામી દસ પંદર વર્ષમાં તેના વ્યાજના દર 7 ટકાની રેન્જથી નીચા જાય તેવા કોઈ જ આસાર નથી.

શેરબજારમાં રોકાણ કરવાની સમજ ન ધરાવનારાઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઠા સૂઝ ન ધરાવનારાઓ સલામત ભાવિ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકે છે. ભાવિની સલામતી માટે નોકરીના આરંભથી જ બચત કરવાની આદત લાભદાયી સાબિત થાય તેમ છે. તેના ઘણાં લાભ છે. તમારી નાણાંકીય બચત તમને નોકરીમાં અસલામતીની લાગણીનો અહેસાસ થવા દેતી નથી. નાણાંકીય બચતને કારણે તમને નોકરી તમારી શરતે કરી શકો તેવો પણ અવકાશ મળી રહે છે. બીજું 25 વર્ષે નોકરી ચાલુ કર્યા પછી 50 વર્ષની વય સુધી પહોંચતા ખાતામાં એક કરોડથી વધુની બચત દેખાય તો છોકરાઓને સેટલ કરવાની જવાબદારીનો બોજ પણ ગભરામણ લાવતો નથી. ત્રીજું, છોકરાના ભણતર માટે નાણાંકીય સુવિધા કરવી હોય તો પીપીએફમાં 15 વર્ષ પછી કેટલીક રકમનો ઉપાડ પણ કરીને જવાબદારી અદા કરવાનો વિકલ્પ રહે છે. આ જવાબદારી બીજી બચતના નાણાનો ઉપયોગ કરીને નિભાવવામાં આવે તો નિવૃત્તિ કાળ સો ટકા સલામત બની જાય છે.

આપણે અત્યારે કલ્પના કરી લઈએ કે પીપીએફનું ખાતું ખોલાવ્યું ત્યારથી બીજા 35 વર્ષ સુધી તેનો વ્યાજનો દર 7.9 ટકા જળવાઈ રહે છે. સરકાર પીપીએફના વ્યાજદરમાં દર ત્રણ મહિને ઘટાડો કે વધારો કરતી રહે છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં પીપીએફના દરને 7.9 ટકાની સપાટીએ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યાજદર કાયમને માટે એટલે કે 35 વર્ષના ગાળા સુધી જળવાઈ રહે તો તેવા સંજોગોમાં રોકાણકારને રૂા.2.9 કરોડ 60 વર્ષની વયે મળી શકે છે. એક નોકરીયાત માટે 35 વર્ષની નોકરીમાં આટલી જંગી બચત કરવી કદાચ અઘરી છે. આ બચતમાં રોકાણકારો રોકેલી મૂળ રકમ માત્ર રૂા.67.5 લાખ જ છે. તેના પર વ્યાજ અને વ્યાજના વ્યાજ મળીને રૂા.2.32 કરોડથી વધુ મળે છે. આ સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી છે. મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં કરવામાં આવેલા રોકાણમાં વળતરની નિશ્ચિતતા નથી. બીજું, તેમાં થયેલા મૂડીલાભ પર ટેક્સ લાગે છે.

આ રકમ તમારી નોકરીમાં તમે એકત્રિત કરેલા પ્રોવિડન્ટ ફંડ ઉપરાંતના હશે. આ ઉપરાંત તમારી 30 વર્ષની નોકરીમાં નિયમ પ્રમાણે તમને મળનારી ગ્રેચ્યુઈટીની રકમના પણ પૈસા તમારી પાસે હશે. આ તમામ ગણતરીઓ કરતાં તમારી પાસે સાડાત્રણથી સાડા ચાર કરોડ જેટલી બચત થઈ શકે છે. આ રકમ નિવૃત્તિ કાળ માટે પૂરતી ગણી શકાય છે. તેના વ્યાજમાં પણ તમે તમારો નિવૃત્તિ કાળનો નિભાવ ખર્ચ આસાનીથી કાઢી શકો છે. તેમ જ હરવા ફરવાના શોખ પણ પૂરા કરી શકો છો. હા, કોઈ મ્યુચ્યુઅલ ફંડની માફક નેશનલ પેન્શન ફંડમાં પણ રોકાણ કરીને નિવૃત્તિ કાળના નિભાવ ખર્ચની વ્યવસ્થા કરવાની ભલામણ કરે છે. સરકાર પણ એનપીએસને પ્રમોટ કરી રહી છે. પરંતુ આ એનપીએસ પણ પીપીએફ જેટલું નિશ્ચિત વળતર આપશે કે કેમ તે નક્કી નથી. આ સંજોગોમાં પીપીએફ જ શ્રેષ્ઠ અને સલામત રોકાણ ગણી શકાય તેમ છે.