હિંમતનગરનાં ઢૂંઢર ગામે માસૂમ બાળકી પર હેવાનિયભર્યાં દુષ્કર્મ બાદ રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અને ઢૂંઢર ગામની ઘટના બાદ પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા અને તેનાં ભયનાં ઓથાર હેઠળ ગુજરાતમાંથી પોતાનાં વતન તરફ હિજરત કરીને જઈ રહેલાં પરપ્રાંતિયો બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ મામલે તાકીદે કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપી હતી. તો બીજી બાજુ પરપ્રાંતિયો અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારનાં વતનીઓ હોવાનાં કારણે આ બન્ને રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ પણ રાજ્ય સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે અને પોતાનાં રાજ્યનાં વતનીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કડક પગલાં ભરે એવી માંગણી કરી છે. ટૂંકમાં ઢૂંઢરની દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલાને કારણે રાજ્ય સરકાર ઉપર રાષ્ટ્રીય દબાણ વધ્યું છે.
ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના 28મી સપ્ટેમ્બરનાં રોજ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢૂંઢરની સીમમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય યુવક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટના બાદ તેનાં પડઘાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડ્યાં હતાં. અને માત્ર એક સપ્તાહનાં ગાળામાં 50થી વધુ હુમલાઓ પરપ્રાંતિયો પર કરવામાં આવ્યાં છે અને તેનાં કારણે ભયથી કાંપતાં પરપ્રાંતિયોએ ગુજરાતમાંથી પોતાનાં વતન તરફ હિજરત કરતાં આ મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ આ મામલે રાજ્ય સરકારની આકરી ટિકા થવાની શરૂઆત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ નારાજ થયાં
ઢૂંઢર ગામની ઘટના બાદ રાજ્યનાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલાને કારણે અને રાજ્ય સરકારની ઢીલી નીતિને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ્સી નારાજગી વ્યક્ત કરી હતી. અને તેમણે રાજ્ય સરકારનો સંપર્ક કરીને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી, તેમ જ ગુજરાત સરકારની ઢીલી નીતિ અંગે પણ રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીને કડક શબ્દોમાં સૂચના આપી હોવાનું કહેવાય છે.
હિંમતનગરની આ ઘટનાના પગલા ગુજરાતના અન્ય નાના મોટા શહેર અને ગામડાઓમાં પડતા મામલો બેહદ ગંભીર બન્યો છે. જેમાં ગુજરાતમાં વસતા યુપી અને બિહારના પરપ્રાંતીયોને માર મારવાના બનાવો બની રહ્યા છે. જેથી ભયમાં મુકાયેલા પરપ્રાંતીયોએ ગુજરાત છોડીને વતનની વાટ પકડી છે. છેલ્લા 72 કલાકમાં ગુજરાતમાંથી 20 હજારથી વધુ પરપ્રાંતીયો ગુજરાત છોડી રવાના થઈ ગયા છે. આ ઘટનાના પડઘા વડાપ્રધાન કાર્યાલય સુધી પડતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૃહમંત્રીને પણ ફોન કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવી પરપ્રાંતીયો પરના હુમલાઓ બંધ કરાવવા અને આરોપીઓ સામે કડક પગલા લેવાની સૂચના આપી છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી જે પ્રકારે જાતિવાદનું ઝેર ફેલાવા માંડ્યું છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ તેનાં પડઘાં પડે એવી શક્યતાઓ હાલનાં સંજોગોને જોતાં નકારી શકાય નહિ. અને તેનાં કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગી વાજબી ગણી શકાય. કેમ કે, સપ્ટેમ્બરનાં અંતમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ જ્યારે પહેલી વખત ઉત્તર ગુજરાતનાં વિસનગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં પરપ્રાંતિયો પર હુમલો થયો ત્યારે રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ન લીધી અને ધીમે ધીમે તેની ચિનગારી ઉત્તર ગુજરાત તેમ જ અમદાવાદ શહેર તથા મધ્ય ગુજરાતમાં આગનાં સ્વરૂપે ફેલાઈ ગઈ. અને વાત એટલી વણસી ગઈ કે, પરપ્રાંતિયો જેમાં મુખ્યત્વે બિહાર અને ઉત્તર પ્રદેશનાં પોતાનું વતન છોડીને ગુજરાતમાં વર્ષોથી રોજગારીનાં આશયે આવીને સ્થાયી થયેલાં લોકો પર હુમલા થવા માંડ્યા અને રાજ્ય સરકાર ચૂપચાપ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી. વાત એટલી વણસી ગઈ કે ઘોડા ભાગી છૂટ્યાં બાદ તબેલાંને તાળાં મારવા દોડેલી રાજ્ય સરકારની હાલત ઘણી કફોડી બની ગઈ હતી. રાજ્ય સરકારની આ ઢીલી નીતિને કારણે વિપક્ષને પણ મોકો મળી ગયો અને તેઓએ પણ રાજ્ય સરકારની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું અને પછી જોત જોતામાં આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ. તેનાથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાકીદે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી. જોકે, ઘોડાં ભાગી છૂટ્યાં બાદ તબેલાંને તાળાં મારવા નીકળેલી રાજ્ય સરકારની છબિ ત્યાં સુધીમાં ઘણી ખરડાઈ ગઈ હતી.
બિહાર અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીઓએ પણ રાજ્ય સરકારને કડક પગલાં ભરવાં કરી માંગણી
ગુજરાતમાં પરપ્રાંતિયો પર અને તેમાં પણ ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશનાં વતનીઓ ઉપર થઈ રહેલાં હુમલાંની ગંભીરતાં રહી રહીને પણ ગુજરાત સરકારને સમજાઈ અને તેમણે આવા હુમલાખોરો સામે પગલાં લેવાનું શરૂ કર્યું. પરંતુ, આ કાર્યવાહી દરમિયાન બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટેલિફોનિક સંપર્ક કરીને પોતાનાં રાજ્યનાં લોકો પર થઈ રહેલાં હુમલાઓ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બન્ને રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ રૂપાણીને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોડે મોડે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ હવે જે કાર્યવાહી લેવાની શરૂઆત કરી છે તો બિહાર અને ઉત્તર પ્રદેશનાં વતનીઓને મજબૂત સુરક્ષા તેમ જ તેમની પર હુમલા કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરી હતી. આમ, રાષ્ટ્રીય સ્તરે પરપ્રાંતિયો પરનાં હુમલાનાં કારણે ગુજરાતની છબિ ખરડાઈ હોવાનું ફલિત થાય છે.
ઘોડાં ભાગી છૂટ્યાં બાદ તબેલાંને તાળાં મારવા દોડી રાજ્ય સરકાર
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલાની ઘટનાઓ છેલ્લાં સાત દિવસથી થઈ રહી છે. ત્યારે પહેલાં પાંચ દિવસ દરમિયાન રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં નહિ અને છેવટે જ્યારે લાગ્યું કે પરપ્રાંતિયો પરનાં હુમલા વધી ગયાં છે ત્યારે ઘોડાં ભાગી છૂટ્યાં બાદ તબેલાંને તાળાં મારવા રાજ્ય સરકાર દોડી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક અહેવાલ મુજબ પરપ્રાંતિયો પર છેલ્લાં સાત દિવસમાં 50થી વધારે હુમલાઓ થયાં છે અને આટલું ઓછું હોય એમ ગુજરાતમાં જે મોટાં ઉદ્યોગગૃહોએ પોતાનાં ઉદ્યોગો શરૂ કર્યાં છે અને ત્યાં મોટાભાગે કર્મચારીઓ તરીકે પરપ્રાંતિય લોકો જ છે. ત્યારે આ ઉદ્યોગગૃહો પર પણ આ હુમલાની અસર જોવા મળી છે. રાજ્યનાં બેચરાજી નજીક આવેલાં મારૂતિ સુઝૂકીનાં પ્લાન્ટમાં પણ પરપ્રાંતિયો કામ કરે છે અને તેઓ માટે એક અલગ વસાહત નજીકનાં વિસ્તારમાં કરવામાં આવી છે ત્યાં પણ આ હુમલાઓ બાદ હાલમાં માત્ર ત્રણ પરપ્રાંતિય યુવકો જ રહ્યાં છે બાકીનાં તમામ પોતાનાં રહેઠાણો છોડીને ચાલ્યાં ગયાં છે, કેમ કે આ વસાહત પર પણ કેટલાંક તત્વો દ્વારા હુમલા કરીને તેમની વસાહતમાં ભારે નુકસાન કરવામાં આવ્યું હતું સાથે જ તેમની ઉપર જીવલેણ હુમલા કરવામાં આવ્યાં હોવાનાં કારણે તેઓ અહીંથી હિજરત કરીને ચાલ્યાં ગયાં
પરપ્રાંતિયો પરનાં હુમલા માટે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાથ?
ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર થયેલાં દુષ્કર્મમાં પરપ્રાંતિય યુવક હોવાનું બહાર આવતાં જ પરપ્રાંતિયો પ્રત્યે ધૃણાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ ધૃણાનું વાતાવરણ ઊભું કરવામાં કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ચર્ચા થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અલ્પેશ પોતાનાં દરેક ભાષણોમાં રોજગારી મામલે આકરાં શબ્દોમાં બોલતાં હોય છે અને ઢૂંઢરની ઘટના બાદ પણ પાટણ જિલ્લાનાં કેટલાંક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા માટે અલ્પેશ ઠાકોરે કરેલાં ધરણાંમાં આ ઘટનાનો ઉલ્લેખ કરી રોજગારીની વાત છેડી હતી અને કહ્યું હતું કે, પરપ્રાંતિયોનો ગુજરાતમાં જે રીતે પગપેસારો થયો છે તેનાં કારણે દુષ્કર્મ જેવી ઘટનાઓ બની રહી છે અને સાથો સાથ આ પરપ્રાંતિયો ગુજરાતનાં યુવાનોનો રોજગારીનો કોળિયો પણ ઝૂંટવી રહ્યાં છે. બસ, આ પ્રકારનું નિવેદન અલ્પેશે કર્યું અને પછી તેમની ઠાકોર સેના પરપ્રાંતિયો પર હુમલા કરવા માંડી અને જોત જોતામાં ઉત્તર ગુજરાત, અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પોતાનું પેટિયું રળતાં પરપ્રાંતિયોને નિશાન બનાવીને હુમલા કરવાની શરૂઆત કરાઈ હોવાનું ચૌરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો લૂલો બચાવ ખૂદ તેમના પક્ષનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યાં છે અને સાથે સાથે કોંગ્રેસનાં અન્ય નેતાઓ પણ આ ઘટનાઓ માટે ભાજપની નીતિ રીતિ જવાબદાર હોવાનો આરોપ કરાઈ રહ્યો છે. આમ પરપ્રાંતિયો પરનાં હુમલાને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ દસેક વર્ષ પહેલાં તત્કાલિન શિક્ષણ મંત્રી અને હાલનાં મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે એક કાર્યક્રમમાં જૂનાગઢ ખાતે એવું નિવેદન કર્યું હતું કે, જો આપણે આપણાં બાળકોને નહિ ભણાવીએ તો આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ અન્ય રાજ્યોનાં લોકોનું વર્ચસ્વ આપણી ઉપર વધી જશે. અને આ નિવેદન બાદ તે સમયે ભારે વિવાદ ઊભો થયો હતો.
પરપ્રાંતિયો પરનાં હુમલા મામલે રાજ્યમાં રાજકારણ શરૂ થયું છે ત્યારે પરપ્રાંતિયો પરનાં હુમલામાં જવાબદાર કોણ છે તે શોધવું પોલીસ માટે મુશ્કેલ બની ગયું છે, પરંતુ હકિકત તો એ છે કે આતિથ્યનો આદર ભૂલી ગયેલાં ગુજરાતની છબિ હાલ તો સમગ્ર રાષ્ટ્ર અને દુનિયામાં ખંડિત થઈ છે તે પૂનઃસ્થાપિત કેવી રીતે કરાશે તે તો સમય જ કહેશે.