બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ ઉપર કેન્દ્રિય મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલનું નામ જાહેર થતાં ઠાકોર સમાજમાં નારજગીનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ નારાજ થયા છે. તેઓએ એક નિવેદેનમાં મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે,પરબતભાઇ પટેલનું નામ જાહેર થયું તેની મને જાણ નથી પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. જોકે, પરબતભાઇના નામની જાહેરાત બાદ મળેલ બેઠકમાં પણ તેઓ ગેરહજાર રહેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારની પસંદગી મામલે ભાજપમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. જેમાં અગાઉ દાવેદારોનો રાફડો ફાટયો હતો બાદમાં એક પછી એક દાવેદારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. આખરે આ બેઠક માટે સાંસદ હરિભાઇ ચૌધરી અને થરાદ ધારાસભ્ય પરબતભાઇ પટેલના નામ વહેતા થયા હતા. દરમિયાન આજે દિલ્હીમાં ભાજપની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલની પસંદગી કરતાં તમામ અટકળોનો અંત આવ્યો છે. હવે કોંગ્રેસમાં કોને ટિકિટ મળે છે તેની ઉપર સૌની મીટ મંડરાઈ છે.
બનાસકાંઠા લોકસભા બેઠકની ટિકિટ માટે આ વખતે છેલ્લી ઘડીના રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષ એક બીજાની પસંદગી જાણ્યા બાદ જ પોતાનો ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં જણાઈ રહ્યા હતા.
બનાસકાંઠા અને પાટણ એમ બન્ને લોકસભા બેઠકો બન્ને પક્ષો માટે રાજકીય રીતે ખૂબ મહત્વની છે.આ બન્ને બેઠકો પર લાંબા સમયથી કમળ ખીલતું આવે છે. બન્ને વિસ્તારોમાં લોકસભાના જંગ પૂર્વે જ સમીકરણો બદલાઈ જવા સાથે પક્ષીય સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ હોઈ લાંબા સમય બાદ આ વખતે બન્ને પક્ષોને ઉમેદવાર પસંદગીનો મામલો ઉકેલવા પણ પરસેવો પાડવાની નોબત આવી છે. કોઈ પક્ષ આ કોકડું ઉકેલી શક્યો ન હતો.
બનાસકાંઠા અને પાટણ બેઠકના ઉમેદવારો પસંદ કરવામાં પક્ષીય ડખાએ આ વખતે બન્ને પક્ષોને વિલંબનીતિ માટે મજબૂર કર્યા છે. આ બન્ને જિલ્લાઓમાં વસતા ઠાકોર સમાજે ફરી બેઠક યોજી બન્ને પક્ષોનું નાક દબાવવાના ફરી પ્રયાસો કર્યા હતા. જે પક્ષ ઠાકોર સમાજની દાવેદારીને પ્રાધાન્ય આપે એ જ પક્ષને સમર્થન આપવાના ઠાકોર સમાજના નિર્ધારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષની નેતાગીરીની ઊંઘ હરામ કરી દીધી છે.
ભાજપ આ વખતે પણ પાટણ બેઠક ઠાકોર સમાજને આપવા રાજી જ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જોકે પાટણ બેઠક પર લડવા ભાજપના લીલાધર વાઘેલા બાદ દિલીપભાઇ ઠાકોરે પણ અનિચ્છા દર્શાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ બન્ને મજબૂત દાવેદારોના પલાયનવાદ વચ્ચે જગદીશ ઠાકોરે પણ લડવાની ના પાડી દેતા કોંગ્રેસની હાલત પણ કફોડી જ બની ગઈ છે.
કંઈક આવી જ સ્થિતિ બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં આ વખતે ભાજપમાંથી વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીની દાવેદારી નબળી પડી હોવાના અહેવાલો વચ્ચે શંકરભાઇ ચૌધરીએ દાવેદારી પાછી ખેંચી લીધી છે. જ્યારે પરબતભાઇ પટેલ પણ મંત્રીપદુ છોડી દિલ્હી જવાના મૂડમાં નથી. બીજી બાજુ, લીલાધર વાઘેલા અને કેશાજી ચૌહાણ બન્ને બનાસકાંઠા બેઠક પર સમાજ થકી ટિકિટ માટે દબાણ લાવી રહ્યા છે. જોકે ભાજપ મોવડી મંડળની માનસિકતા જોતા પક્ષ આવા દબાણો કરનારાઓ સામે ઝૂકે એવી શક્યતા નહિવત છે ત્યારે આ વખતે ભાજપ નવો દાવ ખેલી કોઈ નવો ચહેરો ઉતારે એવી શક્યતાઓ મજબૂત બની રહી છે.લીલાધર વાઘેલા છેલ્લા ત્રણ દાયકાઓથી ચૂંટણી ટાણે આવાં ત્રાંગા કરવા ટેવાયેલા છે અને આ બાબત પક્ષના ધ્યાન બહાર પણ નથી. બીજી બાજુ કેશાજી ચૌહાણ પણ આ વખતે પાર્લામેન્ટ સુધી પહોંચવા ટિકિટ માટે એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે જો બનાસકાંઠા બેઠક ઠાકોર સમાજને જ્યારે પાટણ બેઠક ચૌધરી, પટેલ કે અન્ય સમાજને ફાળવવાની સ્થિતિ આવે તો પણ બનાસકાંઠામાં લીલાધર વાઘેલાની દાળ ગળે એમ લાગતું નથી અને ભાજપની આવી સંભવિત મજબૂરીનો લાભ કેશાજીને જ મળે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ વખતે પાટણ અને બનાસકાંઠા જ નહીં, મહેસાણા બેઠકના ઉમેદવાર પસંદ કરવાનો મામલો પણ માથાના દુખાવા જેવો બની રહ્યો છે.મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલના વિકલ્પ રૂપે ઊંઝાના કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપમાં ખેંચી લવાયા છે.જોકે ટિકિટના મામલે પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોએ જ આશાબેન પટેલનો ખુલ્લો વિરોધ કરતા આ બેઠકના ઉમેદવારની પસંદગીમાં પણ ગૂંચવાડો સર્જાયો છે.કોંગ્રેસ પણ ભાજપની વધતી જતી રાજકીય મજબૂરીનો લાભ ઉઠાવવા તલપાપડ જણાઈ રહ્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે ભાજપ મોવડી મંડળ જો સામાજિક દબાણ આગળ ઝૂકે તો પણ કોનું નસીબ ચમકે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે.
