અમદાવાદ,તા:૨૮
મૂળ રાજસ્થાનના યુવાને પર્યાવરણને બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે, જેના ભાગરૂપે નરપતસિંહ નીકળ્યા છે વિશ્વવિક્રમી હજાર કિલોમીટરની સાઈકલયાત્રા પર.શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના આગ્રહી એવા નરપતસિંહે આ સાઈકલયાત્રાની શરૂઆત 24 જાન્યુઆરીએ જમ્મુ એરપોર્ટથી કરી હતી. તેઓ જમ્મુથી નીકળી હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈ બનાસકાંઠાના ભાભર ખાતે પહોંચ્યા હતા. અત્યાર સુધી તેઓ 8600 કિલોમીટરની યાત્રા ખેડી ચૂક્યા છે નરપતસિંહ જણાવે છે કે સાઈકલયાત્રાથી હું દેશના યુવાનોમાં શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યની જાગરૂકતા લાવવા માગું છું, જે માટે હું રોજના ત્રણ વૃક્ષ પણ વાવું છું, આ ઉપરાંત ગામેગામ ફરી લોકોને સંકલ્પ પણ લેવડાવું છું.નરપતસિંહ વધુમાં જણાવે છે કે તેમણે પોતાની બહેનના લગ્નમાં દહેજના ભાગરૂપે 251 છોડ આપ્યા હતા, ઉપરાંત પ્રત્યેક જાનૈયાને પણ એક-એક છોડ ભેટ આપ્યો હતો. આ પાછળનું કારણ પર્યાવરણને બચાવવાનું હતું. નરપતસિંહ હજુ દેશના અન્ય રાજ્યોમાં પણ ફરીને સમગ્ર દેશમાં શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સંદેશ આપવા માગે છે.