પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત બીજા સ્થાને છે

 

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ ગોપાલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે “રિન્યૂએબલ એનર્જી એટ્રેક્ટીવનેસ ઇન્ડેક્સ 2017” વિશ્વમાં ભારત બીજા ક્રમે છે તેમજ વર્ષ- 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત 12 ટકા જેટલું યોગદાન આપે છે જે ખૂબ જ પ્રશંસનીય છે. પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત બીજા સ્થાને છે તેમજ ભારતમાં થતા કુલ સૌર ઊર્જાના ઉત્પાદનમાં 8% હિસ્સો ધરાવે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન માટે ગુજરાત અંદાજિત 100 ગીગા વોટની ક્ષમતા ધરાવે છે.

વર્ષ -2003 માં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં 100 થી વધુ મોટા રોકાણો થયા છે, જેમાં કુલ રૂપિયા 40,000 કરોડનું રોકાણ થયું છે.
પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રોજેક્ટ્સ સ્થાપીને ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતે પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રથમવાર બહુમુખી સુવિધા ધરાવતો 600 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પાર્ક તેમજ ગાંધીનગર ખાતે ગ્રીડ કનેક્ટેડ તેમજ વડોદરા ખાતે કેનાલ પર સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ધોલેરા એસઆઈઆર ખાતે 5000 મેગાવૉટના અલ્ટ્રામેગા સોલર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે, જે દરિયાકિનારાની ખારાશવાળી જમીનમાં સ્થાપવામાં આવશે. જેમાં જીયુવીએનએલ દ્વારા પ્રથમ 1000 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવનાર છે. ભારતનો સૌ પ્રથમ 1000 વોટ મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદનની ક્ષમતા ધરાવતો પ્રોજેક્ટ ગુજરાતના દરિયાકિનારે આવેલા ખંભાતના અખાતમાં સ્થાપવા દેશના જાણીતા રોકાણકારોએ ખૂબ જ રસ દાખવ્યો છે.

સેમિનારમાં ઓફશોર-ઓનશોરના યુરોપીયન લીડર-ડબલ્યુપીડીના ડિરેક્ટરશ્રી અચિમ બર્ગ ઓલ્સન (Mr. Achim Berg Olsen) ભારતમાં પવન ઊર્જા ઉત્પાદન માટે ખર્ચ અને ટેરિફ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. વિશ્વનો સૌથી મોટો 1000 મેગા વૉટ પવન ઊર્જા ઉત્પન કરવાની ક્ષમતા ધરાવતો ઓફશોર પ્લાન્ટ પીપાવાવ ગુજરાત ખાતે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. યુરોપિયન કમિશન ખાતે ઊર્જાના ડિરેક્ટર જનરલશ્રી મૅથ્યુ ક્રાય (Mr. Matthieu Craye) ઓફશોર પવન ઊર્જાના ઉત્પાદનના યુરોપીયન અનુભવ અંગે વક્તવ્ય આપશે. સૌર અને પવન ઊર્જા સિવાય ઈ-મોબેલિટીના વિષય પર ઈન્ડો જર્મન એનર્જી પ્રોગ્રામના ડિરેક્ટરશ્રી ડૉ. વિન્ફ્રીડ ડેમ (Dr. Winfried Damm) પોતાના વિચારો જણાવશે. ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવીન અને ઈનોવેટીવ ટેકનોલોજી તેમજ બિઝનેસ મોડલ્સ સાથે ગતિશીલતામાં પરિવર્તન લાવીને સંચાલિત કરશે.