એશિયાના સૌથી મોટા અને શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ મનાતા કચ્છના બન્ની વિસ્તારમાં વન્ય સિવાયની તમામ પ્રવૃતિઓ પર રોક લગાવાઈ છે. બન્નીના ૧૮ ગામોમાં માથાભારે શખ્શો દ્વારા ૧૮૮૩ વાડાઓ બનાવી ૧૭૮૬૦ હેક્ટરમાં દબાણ કરવામાં આવ્યુ છે.
બન્ની માલધારી સંગઠન દ્વારા નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં એક માસમાં આ દબાણો અંગેની વિગતો સાથે ગુજરાત સરકારને હાજર રહેવાનો આદેશ કરી દબાણ અંગેની વિગતો મંગાવામાં આવી છે.
બન્નીની જમીનને લઈને મહેસુલ અને જંગલ ખાતા વચ્ચે વિવાદ ચાલે છે. પરિણામે બન્નીવાસીઓને મહેસુલી અધિકારો મળતા નથી. ખેતરો બનાવી ખેડવા માંડયા હતા. એક માસમાં વન્ય સિવાયની પ્રવૃતિ પર રૃકજાવનો આદેશ કરાતા દબાણકારો સંકજામાં આવી ગયા છે. બન્નીમાં કોલસાની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃતિને પણ બંધ થઈ જશે. વનતંત્રે બન્નીના નામે કરોડો રૃપિયા વેડફી નાખ્યા બન્ની વિસ્તાર ૧૯૫૫થી રક્ષિત છે.
૧૯૯૮માં રાજય સરકાર દ્વારા બન્નીનો કબ્જો વન વિભાગને સોંપવાની તૈયારી બતાવાઈ હતી જો કે વન વિભાગે હદ નિશાનના બહાના આપી નનૈયો ભણી દીધો હતો. તેમ છતા આ જ જંગલ ખાતાએ બન્નીમાં વર્કિંગ પ્લાન, જુદી જુદી યોજનાઓ અને ફેન્સિંગ ઉપરાંત ઘાસ પ્લોટોના નામે કરોડો રૃપિયાની ગ્રાંટ વેડફી નાખી છે. ૨૨થી વધુ આવેદન પત્ર આપવા છતા દબાણ દૂર થયું નથી.
દબાણગ્રસ્ત જમીન ખાલી કરાવવા માટે વન વિભાગના અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ મુલાકાત લઈ ગયા છે. તેમ છતા દબાણ દૂર થતા નથી. વન સંરક્ષણ ધારા ૧૯૮૦ સેકસન-૨ અનુસાર વન ભુમિમાં કોઈ પણ જાતની બિન વન્ય પ્રવૃતિ કરી શકાય નહિં. જેમાં ખેડ,ખેતી,ખાઈ, તાર બાંધવા તેમજ વાડ કરવા સહિતની પ્રવૃતિ પર ટ્રિબ્યુનલે પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ બન્નીની ૪૭ વન અધિકાર સમિતિઓએ મહાસભા રચી ઠરાવ પસાર કર્યો હતો. બન્નીમાં ૭૦૦૦ પરિવારો અને ૧.પ લાખથી વધુ પશુધન બન્ની આસપાસ રહે છે. ઘાસીયા મેદાન હોવાથી બન્ની ભેંસ, કાંકરેજ, ગાય, સિંધી ઘોડા અને અન્ય જીવ સૃષ્ટિનો પણ વસવાટ છે.