પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું રાજકીય યુદ્ધ શરૂં તો થયું પણ તેની અસર ગુજરાતમાં કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓને અહીં લાવીને ગુજરાતમાં ફેરવી મોજમસ્તી કરાવીને પછી તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત ભાજપની સારી વાતો કહે એવું આયોજન કરાયું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવરાના રપ જેટલા મૂળ ગુજરાતી યુવા-યુવતિઓએ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને યુવા પેઢી માતૃ રાજ્ય સાથે સુદ્રઢ નાતો પ્રસ્થાપિત કરે તેવા ભાવ સાથે ર૦૧૮થી ગુજરાત પરિભ્રમણ યોજના શરૂ કરી છે.
૪ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી રપ યુવા-યુવતિઓ ગુજરાત પ્રવાસે આવેલા છે.
મુખ્ય પ્રધાને યુવાઓના અભ્યાસ, પારિવારિક પરિચય અને રસના ક્ષેત્રો વિશે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આપણી મૂળ વતન ભૂમિ ગુજરાત સાથેનો સંબંધ-નાતો અતૂટપણે જળવાઇ રહે અને યુવા પેઢી પોતાના વતન રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક ધરોહર અને વિકાસની યાત્રાથી વાકેફ થાય તે પણ એટલું જ આવશ્યક છે.
યુવાઓને દેશની એકતાના પ્રતિક વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, બનાસકાંઠા સરહદે સીમાદર્શન, કચ્છનું સફેદ રણ, ગીરના સિંહ જેવા મહત્વપૂર્ણ સ્થાનોના યાત્રા- પ્રવાસથી રાજ્યના વિકાસ અને વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રેરણા આપી હતી.
મુખ્ય પ્રધાને કહ્યું કે, ગુજરાતમાં જે વિકાસ જૂવે-અનુભવે તે સોશિયલ મિડીયા માધ્યમથી પોતાના મિત્રો, પરિવારોમાં મહત્તમ શેર કરીને દર વર્ષે બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાતની મૂલાકાત માટે પ્રેરિત કરે.
આમ ભાજપ પશ્ચિમ બંગાળમાં લોકસભાની બધું બેઠકો જીતવા માંગે છે. તેની ભાગ રૂપે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓને અહીં સરકારી ખર્ચે લાવવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.