પહ્મ ભૂષણ મેળવનારા ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન

70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવશે ત્યારે જાણો કોણ છે, સાઉથ આફ્રિકામાં મનિસ્ટરના પદ સુધી પહોંચનારા ગુજરાતી પ્રવિણ ગોરધન

આફ્રિકામાં સ્થાયી થયેલા ગુજરાતી મૂળના પ્રવિણ ગોરધન સ્વભાવે આંદોલનકારી હતા. વર્ષ 1970 થી 80ના દશકમાં પ્રવિણ ગોરધને અનેક ચળવળોમાં ભાગ લીધો હતો. ફાર્માસિસ્ટ તરીકેની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડરબનની કિંગ એડવાર્ડ 7માં હૉસ્પિટલમાં વર્ષ 1974થી 1981 સુધી કામ કર્યું હતું. રાજકારણ સાથે તેમના તાંતણા જોડાયેલા હોવાના કારણે તેમને હૉસ્પિટલ દ્વારા 1981માં ફરજમુક્ત કરાયા હતા.

પ્રવિણ ગોરધને વર્ષ 1994માં સાઉથ આફ્રિકાની સંસદમાં પ્રવેશ કર્યો અને વર્ષ 1998 સુધી સાંસદ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009માં પ્રથમ વખત તેઓ નાણા મંત્રી બન્યા હતા જ્યારે વર્ષ 2018માં તેમણે પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો.