અમદાવાદ,બુધવાર
ડાયરેક્ટ ટેક્સ કોડ તૈયાર કરી રહેલી પેનલે રૂા. 5 લાખ સુધીની આવક પર એક પૈસાનો પણ વેરો ન નાખવાની ભલામણ કરી છે. તેમના પર ટેક્સનો બોજો નહિ આવે તો તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હાથમાં રહેશે. તેમના હાથમાં વધુ પૈસા રહેશે તો તેનો ખર્ચ કરશે અને તેઓ ખર્ચ કરશે તો વપરાશની ચીજવસ્તુઓનો વેપાર વધશે, તેની સીધી અસર હેઠળ બજારમાં ડિમાન્ડમાં વધારો થશે. અત્યારે 10, 20 અને 30 ટકાના ઇન્કમટેક્સના સ્લેબ ઉપરાંત 35 ટકાનો નવો સ્લેબ દાખલ કરવાની ભલામણ પણ ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરી છે. રૂા. 2 કરોડ કે તેનાથી વધુની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિગત કરદાતાઓ પાસેથી 35 ટકાના દરે ઇન્કમટેક્સ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે.
ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીએ રૂા. 5 લાખ સુધીની વાર્ષિક આવકને વેરામુક્ત રાખવાની ભલામણ કરી છે. તેમ જ રૂા. 5 લાખથી 10 લાખની આવક પર 10 ટકા, રૂા.10 લાખથી રૂા.20 લાખ પર 20 ટકા અને રૂા. 20 લાખથી રૂા.2 કરોડની આવક પર 30 ટકા ટેક્સ લેવાની ભલામણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા. 2 કરોડથી વધુની આવક ધરાવનારાઓ પાસેથી 35 ટકાના દરે આવકવેરો લેવાની ભલામણ કરવામાં આવી છે. વર્તમાન કાયદામાં રૂા.2.5 લાખથી રૂા.5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લેવામાં આવે છે. રૂા.5થી 10 લાખની આવક પર 20 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. રૂા.10 લાખથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં પાંચ ટકા ટેક્સનો સ્લેબ સાવ જ કાઢી નાખવામાં આવશે અને 35 ટકા ટેક્સના સ્લેબનું ઉમેરણ કરવામાં આવશે. ડાયરેક્ટ ટેક્સ કમિટીની આ ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવશે તો રૂા.5 લાખ સુધીની આવક સંપૂર્ણપણે ટેક્સફ્રી બની જશે.
ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાને પરિણામે મધ્યમ વર્ગના કરદાતાઓના હાથમાં વાપરવા માટે વધુ પૈસા રહેશે. તેમ જ તેમના થકી જુદી જુદી યોજનાઓમાં રોકાણ કરવા માટેના પૈસા પણ બચશે. રૂા.5 લાખથી રૂા.20 લાખની રેન્જમાં આવતા મોટાભાગના કરદાતાઓ તેમના નાણાંનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે જ કરતાં હોવાનું જોવા મળે છે. આવકવેરાના નવા સ્લેબ આવવાને પરિણામે સરકારની આવકવેરાની આવકમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ રેટ કટ આવતા આવકવેરાના રિટર્ન ભરીને ટેક્સ ભરનારાઓની સંખ્યામાં પણ વધારો થતો હોવાનું જોવા મળે છે. તેનાથી ઇન્વેસ્ટમેન્ટ પણ વધતુ હોવાનું જોવા મળે છે. ઇન્વેસ્ટમેન્ટ વધે તો તેને પરિણામે આર્થિક વિકાસને વેગ પણ મળે છે. આ સંજોગોમાં રેટ કટને કારણે રિટર્ન ફાઈલ કરીને પ્રામાણિકતાથી કરવેરો જમા કરાવનારાઓ વધી જાય તો તેવા સંજોગોમાં બેથી ત્રણ વર્ષમાં પરિસ્થિતિ થાળે પડી જવાની સંભાવના ડીટીસીના સભ્યો જોઈ રહ્યા છે. નવા ટેક્સ કોડમાં વેરા માફીના વિકલ્પો પણ ડાયરેક્ટ ટેક્સ કોડમાં ઓછા કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.