પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહન

મંત્રીમંડળે દેશમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રારંભિક સામગ્રી / દવા બનાવવા કાચા માલ અને સક્રિય દવા સામગ્રીનાં ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપી
નવી દિલ્હી, માર્ચ 21, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નીચેની યોજનાઓને મંજૂરી આપી હતી:
i. આગામી પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કમાં સામાન્ય માળખાગત સુવિધાઓને ધિરાણ કરવા માટે બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહન આપવાની યોજના
ii. આગામી આઠ વર્ષમાં રૂ. 6,940 કરોડના અંદાજિત ખર્ચ સાથે દેશમાં મહત્ત્વપૂર્ણ KSMs/દવા બનાવવાના કાચા માલ અને APIsનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજના.
વિગત:
બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહન
i. રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં ભારતમાં 3 મેગા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવાનો નિર્ણય.
ii. ભારત સરકાર દરેક બલ્ક ડ્રગ પાર્ક માટે મહત્તમ રૂ. 1000 કરોડની મર્યાદા સાથે સહાય સ્વરૂપ ગ્રાન્ટ આપશે.
iii. આ પાર્ક સોલ્વન્ટ રિકવરી પ્લાન્ટ, ડિસ્ટિલેશન પ્લાન્ટ, પાવર અને સ્ટીમ યુનિટ, કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે જેવી દરેક સુવિધાઓથી સજ્જ હશે.
iv. આગામી પાંચ વર્ષ માટે આ યોજના માટે કુલ રૂ. 3,000 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.
ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના
i. આધારભૂત વર્ષ (2019-20) લઈને 6 વર્ષના સમયગાળા માટે ઓળખ કરવામાં આવેલ 53 મહત્ત્વપૂર્ણ બલ્ક દવાઓના લાયકાત ધરાવતા ઉત્પાદકોને તેમના સંવર્ધિત વેચાણ પર નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.
ii. 53 ઓળખ કરાયેલી દવાઓમાંથી 26 દવાઓ આથો લાવવા આધારિત બલ્ક દવાઓ છે અને 27 રાસાયણિક સંશ્લેષણ આધારિત બલ્ક દવાઓ છે.
iii. પ્રોત્સાહનનાં દર – આથો લાવવા આધારિત બલ્ક દવાઓ માટે 20 ટકા (સંવર્ધિત વેચાણનાં મૂલ્યનાં) અને રાસાયણિક સંશ્લેષણ આધારિત બલ્ક દવાઓ માટે 10 ટકા.
iv. આગામી 8 વર્ષ માટે કુલ રૂ. 6,940 કરોડની મંજૂરી આપવામાં આવી.
અસર:
બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહનઃ
આ યોજનાથી દેશમાં બલ્ક દવાઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની અને બલ્ક દવાઓ માટે અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની અપેક્ષા છે.
ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના:
i. આ યોજનાનો ઉદ્દેશ સતત સ્થાનિક પુરવઠાને સુનિશ્ચિત કરવા ક્ષેત્રમાં મોટા પાયે રોકાણને આકર્ષીને સ્થાનિક સ્તરે મહત્ત્વપૂર્ણ KSMs/દવા મધ્યસ્થી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ભારતની મહત્ત્વપૂર્ણ KSMs/દવા મધ્યસ્થી સંસ્થાઓ અને એપીઆઇ માટે અન્ય દેશો પર આયાતની નિર્ભરતામાં ઘટાડો થશે.
ii. એનાથી રૂ. 46,000 કરોડનું સંવર્ધિત વેચાણ થશે એવી અપેક્ષા છે તેમજ 8 વર્ષથી વધારે ગાળામાં રોજગારીનાં સર્જનમાં નોંધપાત્ર વધારો થશે.
અમલીકરણ:
બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહન
આ યોજનાનો અમલ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત સ્ટેટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીસ (એસઆઇએ) દ્વારા થશે અને 3 મેગા બલ્ક ડ્રગ પાર્ક સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.
ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના
આ યોજનાનો અમલ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા નિયુક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી (પીએમ) દ્વારા થશે. આ યોજના ઓળખ કરાયેલી 53 મહત્ત્વપૂર્ણ બલ્ક દવાઓ (KSMs/દવા મધ્યસ્થી અને એપીઆઈ)નું ઉત્પાદન કરવા માટે લાગુ થશે.
લાભ:
i. 03 બલ્ક ડ્રગ પાર્કમાં પેટાયોજના અંતર્ગત નાણાકીય સહાય સાથે સામાન્ય માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ii. એનાથી દેશમાં બલ્ક દવાના ઉત્પાદનનો ખર્ચ અને અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થશે એવી અપેક્ષા છે.
પૃષ્ઠભૂમિ:
માત્રાની દૃષ્ટિએ ભારતીય દવા ઉદ્યોગ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ છે. ભારતીય દવા ઉદ્યોગને આ સફળતા મળી હોવા છતાં મૂળભૂત કાચા માલ (જેમ કે દવાઓના ઉત્પાદનમાં ઉપયોગી બલ્ક ડ્રગ) માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. કેટલાંક વિશેષ બલ્ક ડ્રગની મામલે આયાત પર નિર્ભરતા 80 થી 100 ટકા સુધીની છે.
નાગરિકોને વાજબી દરે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે દવાઓનો સતત પુરવઠો જરૂરી છે. આ પુરવઠામાં અવરોધ પેદા થવાથી દવા સુરક્ષા પર વિપરીત અસર પડી શકે છે, જે દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે. બલ્ક ડ્રગનાં ઉત્પાદનમાં સ્વનિર્ભર થવું બહુ જરૂરી છે.