પાકિસ્તાને મદદ કરેલું વહાણ જામનગરથી ઝડપાયું, રહસ્યમય હિલચાલ

ભારતીય જળ સીમામાંથી શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયેલ જામનગરના વહાણ અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાન સાથે સંપર્કમાં હતું. વહાણ માલિકે ‘નૂરે પંજેતન’ તરીકે નોંધાયેલા જહાજરનું નામ ‘યા રૂકનપીર’ કર્યું હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી છે.

જામનગર બેડી બંદર ખાતે રજીસ્ટે્રશન થયેલા 400 ટનના વહાણને ઝડપી લઇને ઓખા ખાતે લઇ આવવામાં આવ્યું હતું. 2008માં નુરે પંજેતનથી રજીસ્ટ્રેશન થયેલ હતું અને સ્વ. હાજી કાસમ રઉ જોડીયાવાળાના નામેથી નોંધાયેલું હતું. જેનો વહીવટ જબ્બાર રઉ કરતો હતો.

વહાણ મુંદ્રા તેમજ તુણા બંદરેથી દુબઇ હેરાફેરી કરતું હતું. નામ નુરે પંજેતનની જગ્યાએ નામ બદલીને યા રૂકનપીર લખી નાખવામાં આવ્યું હતું. દુબઇથી આ વહાણ આવતુ હતું ત્યારે પાકિસ્તાનની એજન્સીના સંપર્કમાં આવ્યું હતું. મદદના બહાને નશીલા પદાર્થની હેરાફેરી કરતું હોવાની આશંકા છે.

જોડિયાનો જબ્બાર રઉ હોય, વહાણના ધંધા અર્થે દુબઇ સ્થાયી થઇ ગયો હતો. કચ્છથી નિયમીત વહાણવટાનો મોટાપાયે કારોબાર કરતો હતો. ભારતીય જળ સીમામાંથી ઝડપાયેલ આ વહાણને પાકિસ્તાની એજન્સી લઇ ગઇ હતી કે મદદ કરી હતી, તે અંગે તેમજ વહાણનું નામ શા માટે બદલી નાખવામાં આવ્યું તે અંગે ખલાસી વગેરેની કડક પુછપરછ હાથ ધરવામાં આવી છે.

1500 કરોડોનું હેરોઇન એટીએસએ તાજેતરમાં ઝડપી લીધા બાદ મોટુ ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું હતું અને સલાયા ઉપરાંત કચ્છનું માંડવી, ઉંજા વગેરે સુધી પગેરૂ મળી આવ્યું હતું. તેવામાં ફરીથી જામનગરનું વહાણ શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાતા આગામી દિવસોમાં મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.