પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલેકટરને રજૂઆત

પાટણ, તા.૦૫
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા શંકાસ્પદ ઉમેદવારોના નામ સાથે ઉમેદવારોએ સોમવારે કલેકટરને પરીક્ષા રદ કરવા માટે માંગ સાથે આવેદન આપ્યું હતુ. યુનિ.ના કારોબારીના સભ્ય અને અધિકારીઓ દ્વારા મોટી રકમ લઈ નિમણૂંક કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કર્યા હતા.

હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના મામલે ઉમેદવારોએ સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવા માટે માંગ કરી હતી અને શંકાસ્પદ નામોની યાદી પણ બંધ કવરમાં આપી હતી તો બીજીતરફ પરીક્ષામાં કેટલાક ઉમેદવારો આન્સરકીમાં જવાબ ન લખતા હોવાનું ઓબ્ઝર્વરોએ પરીક્ષા સુપરવાઈઝરને ધ્યાન દોર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં આશંકાના વાદળો ઘેરા બન્યા છે. જોકે પરીક્ષા કન્વીનર એસ.એ.ભટ્ટે આજે પણ તેમને કોઇ રજુઆત થઇ નથી તે વાતને વળગી રહ્યા હતા.

યુનિ.માં ક્લાર્ક, પીએ ટુ રજિસ્ટ્રાર અને ટાઈપિસ્ટ સહીતની જગ્યાઓ ફરી રવિવારે યોજાયેલ પરીક્ષા દરમ્યાન 11 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આન્સરકી કોરી મૂકી હોવાની રાવ સાથે ગેરરીતીઓના આક્ષેપો કરી ઉમેદવારોએ હોબાળો મચાવતાં ફરી પરીક્ષા વિવાદોમાં સપડાઈ છે. ઉમેદવાર દિનેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અમે પરીક્ષામાં 11 જેટલા ઉમેદવારો આન્સર કી કોરી મૂકીને ગયા હોવાનું જોયું છે જેથી અમને લાગે છે કે પરીક્ષામાં પોતાના મળતિયાઓને પાછળથી પાસ કરી નોકરીમાં લેવા માટે સમગ્ર કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.જો આ પરીક્ષા રદ નહીં થાય તો કોર્ટમાં જઈશું.

ઓબઝર્વ ડૉ. ડી આર પટેલે જણાવ્યું હતું કે પરીક્ષામાં નિરીક્ષણ સમયે અમને 14 જેટલા ઉમેદવારો પરીક્ષાના એક કલાક સુધી આન્સરકીમાં લખતા ન હોઇ કન્વીનરનું ધ્યાન દોરી તેમને લખાવવા માટે કહ્યું હતું. યુનિવસિર્ટીએ પારદર્શક રીતે ભરતી થાય તે માટે તમામ આન્સરકી સ્કેનિંગ કરાવી જે બ્લેન્ક છે તેને ડેડ જાહેર કરે જેથી કોઈ ગેરરીતિ થઇ હોય તો બહાર આવી શકે છે.

ધારાસભ્ય કિરીટ પટેલે આ પરીક્ષામાં પણ 20 જેટલા લોકો પાસેથી પૈસા લેવાયા તેવો આક્ષેપ કરતાં કહયું કે સાચા અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અગાઉથી શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને આ પરીક્ષા સરકાર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી.

ઓબ્ઝર્વર ડી.આર.પટેલના જણાવ્યા મુજબ 3-4 ઉમેદવાર મોટીવયના 40 આસપાસના જણાયા હતા. જેમના આધારકાર્ડ તપાસાયા હતા. એક ઉમેદવાર 61 વર્ષના હતા. આ સબંધે કુલસચિવ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું કે કલાર્ક અને ટાઇપીસ્ટ માટે 28 વર્ષની વયમર્યાદાછે અને 5 વર્ષની છૂટછાટ મળી શકે છે. પણ પીએટુ રજીસ્ટ્રાર માટે 58 વર્ષ સુધીની વય મર્યાદા છે. 61 વર્ષના ઉમેદવારે 2 વર્ષ પહેલાં ફોર્મ ભર્યું ત્યારે તેમની વય 58 વર્ષથી ઓછી હતી પણ હવે વય વધી ગઇ હોઇ પરીક્ષા માન્ય નહી ગણાય તેવી જાણ પરીક્ષાના દિવસેજ કરી દેવાઇ હતી. જોકે ફોર્મ ભર્યું હોઇ પરીક્ષા આપી શકે છે.

રજિસ્ટ્રાર ડી એમ પટેલે જણાવ્યું હતું કે ઉમેદવારો દ્વારા હજુ કોઈ લેખિતમાં ફરિયાદ અમને કરવામાં આવી નથી તો ઓબઝર્વ દ્વારા પણ પરીક્ષા કન્વીનરને કોઈ ગેરરીતિ થઇ રહી હોવાનું જણાવ્યું નથી છતાં બિલ્ડિંગના સીસીટીવી અને પરીક્ષા સમયના ફૂટેજ ચેક કરી તપાસ કરીશું.