પાટણ, તા.૧૫
પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફી કરતાં ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાણ કરતા જોવા મળી રહ્યા છે.
પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી જ ન કઢાવ્યા હોઈ સામાન્ય 50 રૂપિયાના પીયુસી માટે 500 રૂપિયા દંડ હોઈ પીયુસી માટે સેન્ટરો પર ઉમટતા ગ્રાહકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. એક દીવસમાં 500થી વધુ શહેરમાં પીયુસીની અરજીઓ નોંધાઈ રહી છે ત્યારે શહેરમાં આવેલા પીયુસી સેન્ટરો વાળા તકનો લાભ લઇ ડબલ કમાણી કરતા જોવા મળી રહ્યા છે. સરકારની ટુ વહીલર માટે પીયુસીનો નિયત ચાર્જ 20 રૂપિયા અને ફોર વહીલર માટે 50 રૂપિયા છે, ત્યારે સેન્ટરો વાળા વાહન ચાલકો પાસેથી પાવતીની રકમ કરતા ડબલ પૈસા લેતા હોવાની બુમરાણ કરી રહ્યા છે. સેન્ટરોવાળા ગ્રાહકોને ખંખેરી રહ્યા હોઈ આરટીઓ કે તંત્ર દ્વારા સત્વરે આ સેન્ટરો પર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી વાહન ચાલકોએ માગ કરી છે.
એક વાહનચાલકે જણાવ્યું હતું કે, મારા બાઈકની પીયુસી માટે હું એક કલાક ઊભો રહ્યો ત્યારે મારો નંબર આવ્યો. પીયુસી કાઢી આપ્યું પરંતુ મારી પાસે 50 રૂપિયા લીધા અને પાવતી 20 રૂપિયાની જ આપી મેં કહ્યું તો 50 રૂપિયા થશે એ તો સરકારનો ચાર્જ છે, અમારો ચાર્જ અલગ હોય છે.
અન્ય એક વાહન ચાલકે જણાવ્યું હતું કે, ટુ વહીલરની પીયુસી માટે 20 ફોર વ્હીલરની 50 રૂપિયાની પાવતી આપે છે. જેની સામે ટુ વ્હીલરના 50 અને ફોર વ્હીલરના 100 રૂપિયા લેવાય છે.
આર.ટી.ઓ અધિકારી જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ વાહન ચાલકની લેખિત કે મૌખિકમાં રજૂઆત મળી નથી. સેન્ટર વાળા સરકારે નક્કી કરેલ ચાર્જ કરતા વધુ ચાર્જ લઇ શકતા નથી. જો કોઈ સેન્ટરમાં લેવામાં આવતો હશે તો નોટિસ આપી ખુલાસો લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.
ગુજરાતી
English




