પાટણમાં ભાજપના કાર્યક્રમમાં અલ્પેશ સ્ટેજ પર તેની ખુરશી શોધતો રહ્યો

પાટણ, તા.૦૪

પાટણમાં જિલ્લા ભાજપ દ્વારા સંગઠન હોદેદારોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી હોદેદારોને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની ઉજવણી સંદર્ભે જન સંપર્ક માટેના વિવિધ કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંને દાવેદારો શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. જોકે અલ્પેશના નામવાળી સીટ પહેલેથી ન હોઇ તેણે વાસણ આહીરની સીટમાં બેસવું પડ્યું હતું.

શહેરના સંતોકબા હોલમાં મંગળવાર સંગઠન કાર્યશાળાનું પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. જેમાં ભાજપના રાધનપુરની બેઠકના દાવેદારો શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, રણછોડ રબારી સહિત અન્ય આગેવાનોએ સંગઠન હોદેદારોને કાશ્મીરમાં 370 કલમ હટાવ્યાની ઉજવણીનું માર્ગદર્શન આપવા સાથે રાધનપુરની પેટાચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી. જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ રાધનપુર પેટાચૂંટણી બાબતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પ્રતિનિધિત્વ છોડી ભાજપમાં સામેલ થાય છે તે વિસ્તારમાં ફરી ચૂંટણી લડવા માટે આશા રાખતા હોય તે સ્વભાવિક છે અને ભૂતકાળમાં પણ આ પરમ્પરા રહી છે. પાર્ટી પણ આ બાબતે વિચારતી હોય છે.

સ્ટેજ પર જીતુ વાઘાણી, શંકર ચૌધરીથી લઇ જિલ્લા પ્રમુખ મોહન પટેલ સુધીના તમામ નેતાઓના નામની ટીકડી મારેલી ખુરશીઓ મૂકાઈ હતી. પરંતુ અલ્પેશ ઠાકોરના નામની ખુરશી સ્ટેજ પર ન મૂકાતા અલ્પેશ સ્ટેજ પર આવતા બેસવા માટે પોતાના નામવાળી ખુરશી શોધવા લાગ્યો હતો, પણ તેના નામ વાળી ખુરશી ન હોઈ તેને વાસણભાઈ આહિરના નામ વાળી ખુરશીમાં બેસવું પડ્યું હતું. જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલે તેમના આગમનનું અગાઉથી કન્ફર્મેશન ન હોઇ બેઠક નહોતી રખાઇ તેવી સ્પષ્ટતા કરી હતી.

કોંગ્રેસના 10 સમર્થકો ભાજપમાં

કાર્યશાળામાં જિલ્લા પંચાયતના ધિણોજ બેઠકના કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન બાબુ ચૌધરી 10 જેટલા સમર્થકો સાથે આવતા જીતુ વાઘાણીના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. ઇડર, પાલનપુર અને પાટણના 30 જેટલા શેરી નાટક કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા.