પાટણ, તા.૦૨
પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યું છે ત્યારે સિદ્ધપુર ખાતે ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 197 ઓન લાઈન રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. પરંતુ લાભપાંચમના રોજ શરૂ થયેલ ખરીદીમાં એક માત્ર ખેડૂત મગફળી વેચવા આવ્યો હતો. સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સરકાર દ્વારા ફાળવેલ મગફળી કેન્દ્ર પર લાભ પાંચમના દિવસે સવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન થયેલ 197 ખેડૂતો પૈકી એક માત્ર સિદ્ધપુરના રાજપુર વિસ્તારના ગલબાજી સોવનજી ઠાકોરની કુલ 690 કિલો મગફળીની ખરીદી કરાઈ હતી.
ત્યારબાદ અધિકારીઓ લાંબો સમય સુધી બેસી રહ્યા હતા પરંતુ કોઈ ખેડૂત મગફળી વેચવા માટે દેખાયા ન હતા, ત્યારે અધિકારીને પૂછતાં પ્રથમ દિવસે ટેકાના ભાવ પર ખેડૂતોની નજર હોય છે અને ભાવ જાહેર થયા બાદ વેચવા આવતા હોવાનું જણાવ્યું હતું. ખરીદી કેન્દ્ર પર ગોડાઉન મેનેજર બી.એસ. સોલંકીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે 10 હજાર બોરીની ખરીદી મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ખરીદી કેન્દ્રની જગ્યા, ગોડાઉન અને સ્ટોરેજની મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા સાથે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. ખરીદી કેન્દ્ર પર ડિવિઝન ઇસ્પેક્ટર એમ.સી. સોલંકી, આસી.ડિવિઝનલ ઇસ્પેક્ટર કાળુભાઇ પટેલ, પુરવઠા મામલતદાર ડી.એચ. વાઘેલા, સહિતના અધિકારીઓ હાજર હતા.
ગુજરાતી
English




