પાટણ, તા.૧૦
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ગ્રામીણ 2019-20 અંતર્ગત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ સ્વચ્છતા સ્પર્ધામાં રાજ્યોના તમામ જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓની પંસદગી કરાઈ છે. જેમાં પાટણ જિલ્લાનો સમાવેશ થવા પામ્યો છે અને બીજી વાર આગામી 19 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ સ્વચ્છ જિલ્લાનો એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરાશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતગર્ત ગત ઓગસ્ટ મહિનામાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની ટીમ દ્વારા નિયત કરેલી એજન્સી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટે નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણ કરાયું હતું. જેમાં જિલ્લાના 24 ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. જેનું શનિવારે પરિણામ જાહેર કર્યા જેમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં કેન્દ્ર દ્વારા ગુજરાત રાજ્યમાંથી પાટણ જિલ્લા સહિત ત્રણ જિલ્લાની પંસદગી કરાઈ છે. દિલ્હી ખાતે આગામી 19 નવેમ્બરના રોજ યોજાનાર એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ગ્રામ્ય વિકાસ કેન્દ્રીય મંત્રીના હસ્તે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને શ્રેષ્ઠ સ્વચ્છ જિલ્લાનો એવોર્ડ એનાયત કરાશે.
જિલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખે જણાવ્યું હતું કે, પ્રથમ 2018 મા સ્વચ્છતા માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ મળ્યો હતો ત્યારે આ વર્ષે પણ કેન્દ્રની ટિમ દ્વારા જિલ્લાના ગામડાઓની મુલાકાતે આવી પંચાયત ઘર, શાળાઓ સામુહિક શોચાલય સહીત જાહેર સ્થળો, રોડ રસ્તા અને સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં રાજ્યમાંથી પાટણ, મહીસાગર, પંચમહાલ ત્રણ જિલ્લાઓની પંસદગી થઇ છે.
ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 100 માર્કસનું ધોરણ નક્કી કરવામાં આવે છે. જેમાં ગામમાં શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, મુખ્ય બજાર, ધાર્મિક સ્થળો પર શૌચાલય અને તેનો ઉપયોગ તેમજ તેની સ્વચ્છતાની કામગીરીના 30 માર્ક્સ, ગામના સામાન્ય નાગરિકો અને વિશિષ્ટ નાગરિકોના પ્રતિભાવોના 30 માર્ક્સ, મોબાઈલ એપ સ્વચ્છતા અંગેના લોકોના પ્રતિભાવો 5 માર્કસ, ટોયલેટ ટાર્ગેટ અને સ્વચ્છતાના બાંધકામના પ્રોગ્રેસના 35 માર્ક્સ મળી કુલ 100 માર્ક્સમાંથી મૂલ્યાંકન કરવામાં આવે છે. તેવું સ્વચ્છ ભારત મિશનના પ્રોગ્રામ ઓફિસર દિલીપભાઈએ જણાવ્યું હતું.