પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી અપાઈ

પાટણ, તા.08
પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી.

શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજુઆતો છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે ત્યારે પાલિકાના બાંધકામ સમિતીના ચેરમેન અને ભાજપાના કોર્પોરેટર ડો.નરેશ દવેએ આર.ટી.આઇ દ્વારા વિગતો માંગી હતી જેમાં 9 સ્થળોએ પાલિકાની માલીકીની જગ્યાઓમાં ટાવરો માટે જગ્યા ફાળવી દેવાઇ છે.

જેમાં કાળકા રોડ, આનંદ સરોવર પાસે, પીટીસી કોલેજ પાસે, છીંડીયા દરવાજા પાસે , સાલવીવાડા ચામુંડા ચોક,આઝાદચોક બીએમ પ્રાથમિક શાળા પાસે, કાજીવાડા પંપીંગ સ્ટેશન ,બંસી હોટલ પાસે ટીપી સ્કીમના ભાગમાં, જળચોક સરદાર બાગમાં પાલિકાની જગ્યાઓમાં ચીફ ઓફીસર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.જેમાં રીલાયન્સ જીઓ સહીત અન્ય કંપનીઓના ટાવરો છે જે લાંબા સમય માટે ઉભા કરાશે.

આ સબંધે કોર્પોરેટર ડો. નરેશ દવેએ જણાવ્યું કે ટાવરો મંજુર કરવાની સત્તા ચીફ ઓફીસરને આપવામાં આવેલી છે જોકે નગરપાલિકાની માલિકીની જમીનમાં ટાવર નાખવાની મંજુરી આપવાની થાય તો પાલિકાની જાણ બહાર ન આપી શકાય. સામાન્ય સભામાં તેની મંજુરી લીધા પછી જ આપી શકાય. પણ તેમ થયું નથી.

પાલિકા ચીફ ઓફીસર આર.એચ.પટેલનો સંપર્ક થઇ શકયો નહોતો પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું કે આ બાબતના અધિકારો ચીફ ઓફીસરને જ છે તેથી તેઓજ કંઇ પણ કહી શકશે.