પાટણ યુનિ.ના કુલપતિ બનવા માટે 10 રાજ્યોના 50 ઉમેદવારોએ અરજી કરી

પાટણ, તા.૨૦
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઇચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશના 10 જેટલા રાજ્યોમાંથી કુલ 50 અરજીઓ આવી છે. જેમની દિવાળી બાદ સર્ચ કમિટી દ્વારા અરજીઓની ચકાસણી કરી ત્રણ નામ પસંદ કરશે.

યુનિવર્સિટીમાં કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિને સરકાર દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ ખાલી પડેલી કુલપતિની જગ્યા પર નવીન કુલપતિની નિમણુંક કરવા ચાર સભ્યોની સર્ચ કમિટી બનાવી નિમણુંક પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ગત 25 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી દ્વારા કુલપતિ માટે ઉચ્છુક ઉમેદવારોને 18 ઓક્ટોમ્બર સુધી અરજીઓ મોકલવા માટે સમયમર્યાદા આપી હતી, ત્યારે આ સમય દરમ્યાન વિવિધ રાજ્યોમાંથી 50 જેટલા ઉમેદવારોની અરજીઓ આવી છે.

આગામી સમયમાં સર્ચ કમિટી દ્વારા તમામ આવેલ અરજીઓની ચકાસણી બાદ યોગ્ય અરજીઓ માન્ય રાખી મિટિંગ કરી ત્રણ નામ પસંદ કરી શિક્ષણ વિભાગને આપશે અને તેમાંથી એક નામ કુલપતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાશે, તેવું રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલે જણાવ્યું હતું.

કુલપતિ બનવા એસોસિએટ પ્રોફેસર સાથે 10 વર્ષના અભ્યાસકાર્યનો અનુભવ જોઈએ

યુનિવસિઁટીના વડા એટલે કુલપતિ બનવા માટે એસોસિએટ પ્રોફેસર સાથે તેને દસ વર્ષ સુધી કોઈ કોલેજમાં શિક્ષણકાર્ય કરાયું હોવાનો અનુભવ હોય તે જ કુલપતિ માટે અરજી કરી શકે છે. કુલપતિ બનવા માટે ગુજરાત, લખનૌ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર, મુંબઈ જેવા દસ રાજ્યોમાંથી 50 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી છે ત્યારે કુલપતિ માટે 50 શૈક્ષણવૈધોમાંથી અનુભવ અને શૈક્ષણિક લાયકાત વાળા 3 નામ પંસદ કરવા એ સર્ચ કમિટી માટે અગ્નિપરીક્ષા સમાન ગણાશે.