પાણીની ટાંકી ધરાશાયી થતાં ત્રણનાં મોત, સાત જણાં ઘાયલ થયા

અમદાવાદ નજીક બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે વર્ષ-૧૯૯૭ના વર્ષમાં બનાવવામાં આવેલી એક લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી જર્જરિત ટાંકી બપોરે સાડાબારના સુમારે ધડાકાભેર તૂટી પડી હતી. તેનો કાટમાળ વૃક્ષ ઉપર પડતા વૃક્ષ ધરાશાયી બનતા નીચેના પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા હતાં. આ ઘટનાની અમદાવાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ સાત જેટલા વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા સોલા સિવિલ દ્વારા ત્રણ જેટલા મજૂરોનાં મોત થયા હોવાની પુષ્ટિ કરાઈ છે. ઉપરાંત અન્ય સાતની સારવાર ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યુ છે. દરમિયાન ઘટના સ્થળે દોડી ગયેલા જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ આ ટાંકીનું સમારકામ ન કરાયું હોવાનો સ્વીકાર કરી આ સમગ્ર ઘટનાના મામલે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક ટીમ દ્વારા તપાસ કરવાના આદેશ કર્યા છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે સાડાબારના સુમારે બોપલની તેજસ સ્કૂલ પાસે આવેલી પાણીની ટાંકી ધડાકાભેર તુટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદ ફાયર વિભાગને ઘટના મામલે જાણ કરાતા ફાયરના અધિકારીઓ સાત જેટલા વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તરફ પોલીસ અને જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે પ્લોટમાં મજૂરો દટાયા હતા એ પ્લોટમાં કેટરિંગનુ કામ ચાલી રહ્યું હતું. ફાયર વિભાગ દ્વારા દટાયેલા મજૂરોને બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી અપાયા હતા.

પ્રાંત અધિકારી તપાસ કરશે

જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે એ કહ્યું, આ ટાંકી વર્ષ-૧૯૯૭ના વર્ષમાં બનાવવામાં આવી હતી.એક લાખ લિટર પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતી આ ટાંકી જર્જરિત થઈ ગઈ હતી. જેનું સમારકામ ન થતાં આ ઘટના બની હતી. ઘટના અંગે જિલ્લા કલેકટર પાંડેએ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું કહી ઘટનાની તપાસ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કરાશે જેમાં ફાયરના અધિકારીઓની પણ મદદ લેવામાં આવશે એમ કહ્યું છે.

કોમર્શિયલ સિલિન્ડરો મળી આવ્યા

ઘટના સ્થળે આવેલા પ્લોટમાં કેટરિંગનુ કામ ચાલી રહ્યું હતું. જ્યાંથી કોમર્શિયલ સિલિન્ડર મળી આવતા આ પ્લોટમાં કેટરિંગ પ્રવૃત્તિ કરવા અંગે પરમિશન લેવાઈ હતી કે કેમ એ તપાસનો વિષય બન્યો છે.

સ્થાનિકો દ્વારા ટાંકીના સમારકામની રજુઆત કરાઈ હતી

વર્ષો જૂની ટાંકીનું સમારકામ કરવા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ હતી. આમ છતાં પણ પાલિકા દ્વારા ટાંકીના સમારકામની કામગીરી કરાઈ ન હતી.