પાટણ, તા.૧૦
પાટણ પાલિકાની સામાન્યસભા સોમવારે મળી હતી જેમાં ગત સામાન્ય સભામાં બહુમતીથી નામંજુર કરાયેલા પૈકી 54 કામોને ભાજપા અને કોંગ્રેસના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુંમતે મંજૂરી આપી હતી. જેમાં મોટાભાગના કામો રોડ રસ્તા, બ્લોક પેવીંગ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઇન, તેમજ રોડ ડીવાઇડરના કામોનો સમાવેશ થાય છે. આ બધા કામો હવે તાત્કાલિક શરૂ કરીને દિવાળીના તહેવારો આસપાસ પૂરા કરી દેવાશે. તેમ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ અને ઉપપ્રમુખ લાલેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું. વધુમાં શહેરમાં 45000 જેટલા નળ કનેકશનોમાં પાણીના વપરાશના મીટરો લગાડવાની દિશામાં પાલિકા આગળ વધી રહી છે. તાજેતરમાં કારોબારી કમિટી દ્વારા કરાયેલ ઠરાવને આ સભામાં મંજૂરી આપવામાં આવી હતી. પાલિકાએ સરકાર પાસે રૂ.10 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે.
પાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન ધર્મેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ શહેરમાં સિધ્ધી સરોવર ફિલ્ટર પ્લાન્ટ અને બોરવેલ દ્વારા પાણી લોકોને અપાય છે, જેના વપરાશ પર અંકુશ લગાવી શકાય અને બગાડ અટકાવી શકાય તે માટે ઘર દીઠ વીજ વપરાશનું મીટર લગાવવા માટે એકાદ માસ અગાઉ કારોબારી સમિતીમાં ઠરાવ કરાયો હતો. આમ કરવાથી વીજ વપરાશના બિલમાં પણ મોટો ઘટાડો થઇ શકે તેમ છે. આ ઠરાવ બાદ પાલિકા દ્વારા રાજ્ય સરકારમાં રૂ.10 કરોડની ગ્રાન્ટની માંગણી કરાઇ છે. નગરપાલિકા પ્રમુખ જણાવ્યું કે નિર્મળ નગર સોસાયટીમાં બિલ્ડર દ્વારા ખાનગી ધોરણે મીટર નાખેલા છે, તેમાં સારી સફળતા છે. તેનો અભ્યાસ કરીને પછી પાલિકા આ દીશામાં આગળ વધશે. પાલિકા દ્વારા ડિજિટલ મીટર નાખવામાં આવનાર છે.
શહેરમાં આવી હોઇ શકે છે મીટર વ્યવસ્થા
મીટર લગાવવા માટે ચાર સપ્લાયર એજન્સીઓ પાસેથી જાણકારી લેવામાં આવી છે. શહેરમાં ડિજિટલ મીટર લગાવવામાં આવશે. દર 500 મીટરનું રીડીંગ તેના ડીવાઇસમાં ઓટોમેટીક વિસ્તારમાં જતાંજ થઇ શકે છે. એટલે કે દરેક ઘરે જવાની જરુર નથી રહેતી. આ માટે દર 500 મીટર મુજબના લોકેશન નક્કી કરી લેવાના રહેશે. મીટર સાથે કોઇ ચેડાં કરવાનો પ્રયાસ કરે તો લોક થઇ જાય છે. પાણીના ક્ષારના લીધે તે બગડી જતું નથી. હાલમાં બનાસકાંઠાના ધાનેરામાં મીટર ફીટ કરવાની કામગીરી ચાલી રહી છે.