પાણી ન મળતાં મોરબીમાં નગરપાલિકામાં પાણીથી સ્નાન

કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં આજે વોર્ડ નં ૦૩ માં ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજા અને અરુણાબેન વડસોલા સાથે રહીશોનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતું ના હોય અને પાલિકા તંત્ર પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે જેથી આજે ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજાએ ખાલી ડોલ સાથે લાવ્યા બાદ પાલિકા કચેરીએથી પાણીની ડોલ ભરીને જાહેરમાં સ્નાન કર્યું હતું. પાણી આપોના પોકાર લગાવ્યા હતા. તે ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં હોય. જેથી તાકીદે સમસ્યાના ઉકેલની માંગ કરી હતી તેમજ જો પ્રશ્નો નિવેડો નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મોરબી શહેરમાં પાલિકા તંત્ર નાગરિકોને પાયાની સુવિધા આપવામાં ઉણી ઉતરી છે અને પાલિકા કચેરીએ કોઈ નાગરિકોની વાત સાંભળનાર ના હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે જેથી આજે સામાકાંઠા વિસ્તારના રહીશોના ટોળાએ કાઉન્સિલરને સાથે રાખીને હલ્લાબોલ કર્યો હતો તો ભાજપના સદસ્યએ કચેરીએ જ સ્નાન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.