પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી

ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને એક સ્થાનિક યુવક સેલ્ફી લઇ રહ્યો હતો. સાથે જ તેને સિંહ સાથેનો એક વીડિયો પણ બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

નોંધનિય છે કે સિંહ જંગલની બહાર પાણીની શોધમાં આવે છે. જેને લઇને જંગલ ખાતાની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. પાણીની તમામ પ્રકારની વ્યવસ્થા ફોરેસ્ટ ખાતાએ કરવાની હોય છે તેમ છંતા સિંહ હવે બહાર નીકળી રહ્યાં છે.

ગીર ફોરેસ્ટમાં અત્યારે 600 જેટલા સિંંહો છે. એમને એક તો આ વિસ્તાર ટૂંકો પડે છે તો સાથો સાથ પાણીના કારણે વલખાં મારવા પડતાં હોવાથી સિંહ આજુબાજુનાં ગામો અને ગીર ફોરેસ્ટના નેસમાં ઘૂસીને હુમલો કરે એવી શકયતા હોવાથી સિંંહોને ગીર ફોરેસ્ટમાં જ પાણીની સગવડ કરી આપવી હિતાવહ લાગતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંગલી પ્રાણીઓની હાલત કફોડી બની છે. ગીરના રાજા કહેવાતા સિંહને પાણી પૂરતું જોઈતું હોય છે. જો કે ઉનાળામાં પાણી વિના સિંહની હાલત કફોડી બનતી હોય છે ત્યારે હાલ ૨૦ જેટલા સિંહ, પાઠડા, બચ્ચાઓ, સિંહણ ટોળામાં પાણી માટે વિચરણ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ગીર જંગલની સરહદ પર આવેલા ગામડામાં આ સિંહો પાણીની શોધમાં આવી ચડ્યા હોવાનું માનવામાં આવે છે.