પાણી ન મળતું હોવાની રોજની 150 સામૂહિક ફરિયાદો, પણ કોઈ તકલિફ નથી – રૂપાણી

ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજી હતી.  ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે મુખ્યમંત્રીએ રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોવાનું જાહેર કરીને પત્રકારોએ પાણીની તંગી વાળા અહેવાલો નહીં છાપવા કહ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી પછી આચારસંહિતા દૂર થતાં રાજ્યમાં ગરમી વધવાને કારણે પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે રિવ્યૂ બેઠક મળી હતી. જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઇ હોત. આ નેટવર્કની મદદથી આપણે રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું છે. આપણે આજી ડેમ (રાજકોટ), રણજીત સાગર ડેમ (જામનગર) અને મચ્છુ ડેમ બે-બે વાર ભર્યા છે. તેમજ હજુ પણ જરૂર પડશે ત્યાં ડેમ ભરીને પાણી પહોંચાડીશું. કચ્છમાં કેટલ કેમ્પને ઘાસચારો પહોંચાડ્યો છે.

હાલ રાજ્યના ૬૨ તાલુકાના ૨૫૮ ગામ અને ૨૬૩ ફળીયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવી છે. કોઈપણ વિસ્તારમાં પાણીની તંગી સર્જાય તો તે વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવા સંબંધિત કલેક્ટરને સુચના આપવામાં આવી છે.ઉત્તર ગુજરાતમાં ૪ જિલ્લાના ૧૫ જળાશયોમાં ૩૧૯ મિલિયન કયુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે ૫૯૨.૫૨ મિલિયન કયુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૬.૬૦ ટકા જળસ્તર છે.રાજ્યના આ જળાશયોનું ઉપરવાસના વરસાદને પગલે આ સ્થિતિ છે. ત્યારે રાજ્ય માટે નર્મદા ડેમ જીવાદોરી બની રહેશે. નર્મદા સરદાર સરોવરનું જળસ્તર ૫૦.૮૨ ટકા છે. એ સિવાય સુરેન્દ્રનગરના ધોળીધજામાં ૮૯ ટકા, મહીસાગરના વણાકબોરીમાં ૭૮ ટકા અને કડાણામાં ૫૪ ટકા, કચ્છના ટપ્પરમાં ૭૪.૮૭ ટકા, ભરૂચના ધોલીમાં ૬૫ ટકા અને પંચમહાલના પાનમમાં ૫૫ ટકા જળસ્તર છે.મધ્ય ગુજરાતના જળાશયોમાં ૧૧૧૩૨ મિલિયન કયુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે ૧૨૧૩ મિલિયન કયુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જાવા મળે છે. અહીં ૧૭ જળાશયોમાં હજુ ૪૮.૨૨ ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. ૧૩ જળાશયોમાં ૨૪.૧૯ ટકા જળ છે. ગયા વર્ષે ૨૭૨૧ મિલિયન કયુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે ૨૦૮૬ મિલિયન કયુબિક મીટર છે.