થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી. કચેરીમાં યોગ્ય જવાબ ન મળતાં ગુસ્સે થઈ પરત ફરેલા ખેડૂતોએ પાણી ના મળે તો ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી પણ આપી નર્મદા વિભાગના મનસ્વી રીતે વર્તતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.અને સિંચાઇ માટે પાણી ના મળે તો આત્મ વિલોપન કરવાની ચીમકી પણ આપી હતી. નર્મદાના અધિકારીઓએ યોગ્ય જવાબ ના આપતા વિફરેલા ખેડૂતોએ પ્રાંત કચેરીએ પહોંચી રજુઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદ પંથકમાં આવેલી નર્મદા કેનાલોમાં પાણી ન છોડતાં ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ ઘસી આવ્યા હતા પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓ એકબીજા પર દાવ લગાવી છટકવાની બારી ગોતી છટકી ગયા હતા.
બનાસકાંઠાના થરાદ તાલુકામાંથી પસાર થતી ગડસીસર ડિસ્ટ્રીબ્યૂટરી તેમજ માઇનોર કેનલોમાં પાણી ન છોડતાં રામપુરા-સવપુરા ગામના ખેડૂતો નર્મદા વિભાગની કચેરીમાં રજૂઆત અર્થે આવ્યા હતા. પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવા કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી ખેડૂતોને પગથિયાં ચડઉત્તર કરવાનો વારો આવ્યો હતો અને હાજર અધિકારીઓ ખેડૂતોને જોઈને ખુરશી છોડી ભાગી છૂટ્યા હતા. રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ કેનલોના બાંધકામ વિશે કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓની સાંઠગાંઠ રાખી ખુલ્લો ભ્રષ્ટાચાર કરતાં કેનાલો તૂટવા પામી છે એવો આક્ષેપ કર્યો હતો. શરૂઆતમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતાં કેનલોમાં ગાબડાં પડ્યાં છે એ હજુ સુધી રીપેરીંગ કરવામાં આવી નથી છતાં આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતનું રીપેરીંગ ન કરાતાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.