પાણી, વીજળી, ડીઝલનાં વધતાં ભાવ મુદ્દે પાટણમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યાં

પાટણમાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી હતી અને જુદા જુદા 18 જેટલી માંગણીઓ લઈ આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાનાં નવ તાલુકા પૈકી આઠ તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની તકલીફનું મહદઅંશે નિરાકરણ લાવવાનો પ્રયાસ જરૂર કર્યો છે. જેના પગલે આજે પાટણમાં ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લાના ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા અને વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતોનો અવાજ મજબૂત કરવા કોંગ્રેસ પણ મેદાને પડ્યું હતું અને પાટણનાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ, આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા.
પાટણ જિલ્લામાં મુખ્યત્વે કપાસ, એરંડા, કઠોર, તેમજ ઘાસચારાનું વાવેતર કરી ખેડૂત પોતાનો અને પરિવારનો જીવન નિર્વાહ કરે છે. જો કે ખેતી કરવા પાણી, વીજળી અને ડીઝલ ખેડૂતની પ્રાથમિક જરૂરિયાત છે. જો કે આ વર્ષે ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવા પામ્યો છે. બીજી તરફ કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા અને પૂરતી વીજળી ન મળતાં ખેડૂત પાયમાલ બન્યો છે. એક તરફ ખેડૂત દેવા કરી મોંઘા બિયારણ લાવી ખેતી તો કરે છે, પણ પ્રાથમિક જરૂરિયાત એવા પાણી વીજળીના અભાવના કારણે ખેડૂત કફોડી સ્થિતિમાં મૂકાયા છે, ત્યારે હાલ તો ખેડૂતોનું સરકાર દેવું માફ કરે તેવી ખેડૂત માંગ કરી રહ્યાં છે.