ગુજરાતના શિક્ષણજગતમાં સિમાચિન્હરૂપ હાઇકોર્ટનો ચુકાદો
વર્ષ 2017માં મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર યુનિવર્સિટીએ જાતે જાહેરાત આપીને 15 વિદ્યાર્થીઓને બારોબાર પ્રવેશ આપી દીધો હતો, પહેલા સિંગલ બેંચ અને છેવટે ડબલ બેંચે પણ ખોટી રીતે પ્રવેશ આપ્યાનુ જણાવી તોતિંગ દંડ ફટકાર્યો
અમદાવાદ,તા.30
પારુલ યુનિવર્સિટીએ વર્ષ 2017માં પ્રવેશ સમિતિના નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન કરીને 15 વિદ્યાર્થીઓને બારોબાર મેડિકલમાં પ્રવેશ આપી દીધા હતા. પ્રવેશ સમિતિએ આ વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ કરવા ઇન્કાર કરતાં યુનિવર્સિટીએ સીધા એમસીઆઇ સમક્ષ એનરોલમેન્ટ માટે આ વિદ્યાર્થીઓના ફોર્મ મોકલી આપવામાં આવ્યા હતા. એમસીઆઇએ પણ ઇન્કાર કરતાં યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ દ્વારા કોર્ટમાં રીટ કરવામાં આવી હતી. તાજેતરમાં કોર્ટે આ મુદ્દે યુનિવર્સિટીને અઢી કરોડ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો.
પારુલ યુનિવર્સિટીના મુળ સંચાલક હાલમાં જાતિય સતામણીના આરોપસર જેલમાં છે ત્યારે આ સંચાલકના પુત્રએ પણ રૂપિયાના જોરે તમામ ગેરકાયદે કામો કરવાની જૂની પ્રણાલિકા ચાલુ રાખી છે. સમગ્ર ઘટના એવી હતી કે, વર્ષ 2017માં પ્રવેશ સમિતિએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કર્યા બાદ બીજા દિવસે પારુલ યુનિવર્સિટીએ જાહેરાત આપીને વિદ્યાર્થીઓ પાસેથી સીધી અરજીઓ મંગાવી લીધી હતી. પ્રવેશ સમિતિના સભ્યોના કહેવા પ્રમાણે જાહેરાતમાં યુનિવર્સિટીએ એવો ઉલ્લેખ કર્યો કે, અમારે ત્યાં જે બેઠકો ખાલી પડશે તેમાં અમે વિદ્યાર્થીઓને સીધા એમબીબીએસમાં પ્રવેશ ફાળવીશું. આ યુનિવર્સિટીની મેડિકલ કોલેજને યેનકેન પ્રકારે 15 જગ્યાઓ ખાલી પડી હતી. યુનિવર્સિટીના સંચાલકે વિદ્યાર્થીઓને બારોબાર પ્રવેશ ફાળવી દીધા હતા. પ્રવેશ આપ્યા બાદ એનરોલમેન્ટ માટે પ્રવેશ સમિતિને ફોર્મ મોકલતાં સમિતિએ આ વિદ્યાર્થીઓને માન્ય ગણવા ઇન્કાર કરી દીધો હતો. યુનિવર્સિટી દ્વારા સીધા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એનરોલમેન્ટ ફોર્મ મોકલી દેવાયા હતા. કાઉન્સિલે પણ આ વિદ્યાર્થીઓને માન્ય કરવા ઇન્કાર કરી દીધો હતો. છેવટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોર્ટમાં મોકલી આપ્યા હતા. જમા સીંગલ બેંચ દ્વારા આ વિદ્યાર્થીઓને ગેરકાયદે પ્રવેશ આપ્યા હોવાથી માન્ય કરવા ઇન્કાર કરી દીધો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્યની દુહાઇ આપીને સંચાલકે છેવટે ડબલ બેંચ સમક્ષ અપિલ કરી હતી. મેડિકલના તજજ્ઞો કહે છે તેમાં સફળતાં ન મળતાં ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી હતી. તાજેતરમાં કોર્ટે આ કોલેજના સંચાલકોને અઢી કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોઇ શૈક્ષણિક સંસ્થાને બે-પાંચ લાખ રૂપિયા દંડ થાય તો આખો દિવસ સમાચાર પ્રસારિત કરતી ચેનલો અને અખબારોએ આ નિર્ણયને નોંધ કેમ ન લીધી જાણો…….
કોર્ટનો ચુકાદો હોવાછતાં પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ રૂપિયાના જોરે એકપણ અખબાર કે ચેનલમાં આ સમાચાર ન ચાલે તેવો તખ્તો ગોઠવી દીધો હતો.
મોટા અખબારોને મોટી જાહેરાત અને ચેનલોને થોકબંધ જાહેરાતોના ભાર હેઠળ ગુજરાતમાં પહેલી વખત કોઇ શૈક્ષણિક સંસ્થાને નિયમોના ભંગ બદલ આટલો મોટો દંડ કરવા છતાં માધ્યમોએ નોંધ પણ લીધી નથી.
સામાન્ય રીતે ઘટના બને કે ચુકાદો આવે ત્યારે તમામ સમાચાર માધ્યમો તેની નોંધ લેતાં હોય છે પણ પહેલી વખત અખબારોએ ઘટનાની પણ અવગણના કરી દીધી છે.
હાલ તો પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની સ્પષ્ટતાં કરીને જાણે કે હાઇકોર્ટે જાણી જોઇને આ ચુકાદો આપ્યો હોય તેવુ ચિત્ર ઉભુ કરવા પ્રયાસો કર્યા છે.
મેડિકલના તમામ નિષ્ણાતો જાણે કે પારુલ યુનિવર્સિટીએ 15 વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનુ ડોનેશન ઉઘરાવીને પ્રવેશ આપ્યા હતા.