પાલડીમાં ભાડાની દુકાનમાં પૂજા ટ્રાવેલ્સ નામથી ધંધો કરતા પિતા અને બે પુત્રોએ દુકાન માલિક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે વિનોદ, વિનોદના પુત્ર વિશાલ અને રાહુલ સામે ગુનો નોંધ્યો છે.
વાસણા વૃંદાવન વિહાર સોસાયટીમાં રહેતા મજુંલાબહેન બાલચંદ વ્યાસ (ઉ.75) તેમના પુત્ર સાથે રહે છે. મજુંલાબહેનની માલિકીની દુકાન પાલડી સુવિધા ચાર રસ્તા પાસે આવેલા સુમેરૂ કોમ્પલેક્ષમાં આવેલી છે. 111 નંબરની દુકાન વિનોદ નામના શખ્સને ભાડે આપેલી છે. વિનોદ દુકાનનું નિયમિત ભાડું નહીં ચૂકવતો હોવાથી દોઢેક લાખ રૂપિયા ભાડું ચઢી ગયું છે. વિનોદ હંમેશા ધંધો નથી તેવા બહાના કાઢતો રહે છે.
ગઈકાલે બપોરે મજુંલાબહેન વ્યાસ સુમેરૂ કોમ્પલેક્ષ ખાતે વિનોદની દુકાને ગયા હતા. વિનોદ પાસે ભાડાની ઉઘરાણી કરતા તેણે બહાનાબાજી શરૂ કરી દીધી હતી. જેથી મજુંલાબહેને ધંધો નથી આવતો તો દુકાન ખાલી કરી દો તેમ કહેતા વિનોદે ઝઘડો કર્યો હતો. આ સમયે મેડીકલ સ્ટોરમાં હાજર મજુંલાબહેનના પુત્ર-પુત્રવધુ અને પુત્રી-જમાઈ ત્યાં આવી ગયા હતા. વિનોદ સૌને જોઈને તમે બધા મારી સાથે ઝઘડો કરવા આવ્યા છો તેમ કહી ખુરશી ડેબલ પર પછાડવા લાગ્યો હતો. વિનોદના પુત્રો રાહુલ અને વિશાલે ભાડુ નથી આપવું અને દુકાન પણ ખાલી નથી કરવી તેમ કહી મજુંલાબહેન પર હુમલો કરી દીધો હતો. પિતા પુત્રોએ મળીને કરેલા હુમલામાં મજુંલાબહેનની પુત્રીને લાકડીનો ફટકો વાગ્યો હતો. આસપાસમાંથી લોકો એકઠા થતા વિનોદ અને તેના પુત્રો શાંત પડ્યા હતા. આ મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે મજુંલાબહેન વ્યાસની ફરિયાદ નોંધી છે.