પાલનપુર, તા.૧૯
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલા મકાન આગળ કરાયેલા દબાણો દૂર કરવા નગરપાલિકા જેસીબી અને પોલીસ ટીમ સાથે શુક્રવારે પહોંચી. સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવતા પાલિકાના સ્ટાફે મહિલા પોલીસ બોલાવી દબાણો હટાવ્યા હતા.
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસમાં સ્થાનિકો દ્વારા 14 ફુટના જાહેર રસ્તા ઉપર બાંધકામ કરી દેવાતાં રસ્તો સાંકડો થઇ ગયો હતો. જેથી અહીંના કેટલાક લોકોએ સીએમ ઓનલાઇનમાં રજૂઆતો કરી હતી. ત્યારબાદ નગરપાલિકાએ સ્થાનિકોને દબાણો હટાવવા માટે જાણ કરી હતી. જો કે સ્થાનિકોએ જાતે જ દબાણો ન હટાવતા પાલિકાની ટીમ જેસીબી લઈ પોલીસ કાફલા સાથે શુક્રવારે ઓડવાસ પહોંચી હતી. જેસીબીને જોતા જ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે સંઘર્ષ ભર્યું વાતાવરણ સર્જાતા તંત્ર દ્વારા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે અહીંની મહિલાઓએ દબાણ તોડવાની ના પાડતાં મહિલા પોલીસે મહિલાઓને પકડી ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. તે વખતે મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે તંત્ર દ્વારા સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતાં આ મામલો થાળે પડ્યો હતો અને પાલિકાએ રસ્તો ખુલ્લો કરવા માટે દબાણો તોડયા હતા.
પાલિકાના સર્વેયર આર.કે.સેંગલે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ઓનલાઈનમાં થયેલી રજુઆતના અનુસંધાને પાલિકા દ્વારા 14 ફૂટનો રસ્તો ખુલ્લો કરવા માટે દબાણ ધારકોને જાણ કરાઇ હતી. પરંતુ કેટલાક દબાણ ધારકો દ્વારા અહીં દબાણ ન હટાવાતા નગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે દબાણો તોડવા માટે પહોંચી હતી તે સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો પરંતુ વધુ મહિલા પોલીસ બોલાવી મામલો થાળે પાડ્યો હતો અને દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી.’