કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. પરંતુ જ્યારે ડોક્ટરની બેદરકારીને કારણે કોઈ દર્દીનું મોત નીપજે છે તો તેને ભગવાન નહિ પરંતુ યમરાજ તરીકે ગણવામાં આવે છે. આવો જ એક કિસ્સો પાલનપુરની મોદી ઓર્થોપિડિક હોસ્પિટલમાં બન્યો છે.
ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુરની મોદી ઓર્થોપેડિક લાઈફકેર હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. જે દર્દીનું મોત તબીબની બેદરકારીથી નીપજ્યું હોવાના આક્ષેપો સાથે મૃતકના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. વડગામ તાલુકાના કોદરાલી ગામના નરેશ પરમાર નામના યુવકનો બે માસ પૂર્વે અકસ્માત થયો હતો. ત્યારે પગમાં સળિયો નાખ્યો હતો. જે પગમાં રહેલો સળિયો કઢાવવા તેને મોદી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નરેશનું મોત થતાં પરિવારજનોએ હોબાળો કર્યો હતો.
ઓપરેશન પહેલાં બેહોશ કરવા આપેલો ડોઝ વધુ પડવાથી યુવકનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારજનો હોસ્પિટલના તબીબ ડૉ. મિલન મોદી સામે પોલીસ કેસ કરવાની માંગ કરી રહ્યા છે.