પાલનપુરની યુવતીને 18 વર્ષના લગ્નજીવન બાદ પતિએ ફોન પર તલ્લાક આપ્યા

પાલનપુર, તા.૦૩
પાલનપુરની યુવતીના લગ્ન વિસનગર ખાતે થયા હતા. જોકે 18 વર્ષના લાંબા લગ્નજીવન બાદ પતિએ યુવતીની માતાને ફોન કરી તલાક આપ્યા હતા. જેથી યુવતી પાલનપુર મહિલા પોલીસમથકે મદદ માટે દોડી ગઇ હતી.

પાલનપુરની યુવતી યાસ્મીનબેનના લગ્ન આજથી 18 વર્ષ અગાઉ વિસનગરના રફીકભાઇ ઉર્ફે મુન્નો મુર્તુજાભાઇ શેખ સાથે થયા હતા. જોકે લગ્નજીવન દરમિયાન યાસ્મીનબેને નવ બાળકોને જન્મ આપ્યો હતો. જેમા 6 બાળકો ગુજરી ગયા હતા. આજે ત્રણ બાળકો હયાત છે. લગ્નજીવન દરમિયાન સાસરિયા દ્વારા અપાતી માનસિક અને શારીરિક તકલીફ તેમજ કરીયાવર સહીત 50 હજારની માંગણીના કારણે યાસ્મીનબેન તેમની માતા પાસે રહેવા આવી ગઇ હતી. તેમજ પતિની હેરાનગતિથી ત્રસ્ત થઇ મોબાઈલ બંધ કરી દીધો હતો. જેથી યાસ્મીના બહેનના પતિ રફીકભાઈ શેખે યાસ્મિનાબેનની માતાના મોબાઈલ ઉપર ફોન કરી 6 વાર તલ્લાક બોલી તેમની દીકરીને તલાક આપ્યા છે. તેવું યસ્મિના બેનની માતાએ જણાવ્યું હતું. તેમજ તેમની દીકરી યાસ્મીનબેન જો હવે વિસનગરમાં સાસરે આવશે તો તેને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

જેથી યુવતીએ તેની માતા સાથે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તેના સાસરીયાવાળા રફીકભાઇ મુર્તુજાભાઇ શેખ, મુર્તુજા મહમદભાઇ શેખ અને ખતીજાબેન મુર્તુજાભાઇ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.