પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા

પાલનપુર, તા.૦૫

પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા એક લાખ રૂપિયાનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પાલનપુરમાં કેરીની સિઝન હોય કે કેળાની કેટલાક વેપારીઓ કમાઈ લેવાની લ્હાયમાં કેમિકલથી ફળો પકવી લોકોના જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરતાં હોય છે. અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આવા વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પાલનપુરમાં જુના માર્કેટયાર્ડમાં બુધવારે સાંજના સુમારે કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી ડેઝીગેશન અધિકારી ડી.જી. ગામીત, ફૂડ સેફટી અધિકારી પી.આર. સુથાર અને ટી.એચ. પટેલે કેળાના વેપારી જયંતીભાઈ પટણી દ્વારા વખારમાં કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવતાં રૂપિયા એક લાખનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે કેમિકલથી કેળા પકવતાં શહેરમાં અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.