પાલનપુર, તા.૧૫
પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા તહેવારોના સમયે સોમવારે શહેરમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ નારાજ જોવા મળ્યા હતા. જોકે પાલિકા સર્વેયરે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં વેપારીઓને સમજાવ્યા છે હવે પછી દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.’
પાલનપુર નગરપાલિકા દ્વારા સવારથી જ શહેરના કિર્તીસ્તંભ સીમલાગેટ રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં પોલીસ ટીમ જેસીબી મશીન, ટ્રેક્ટરો તેમજ નગરપાલિકાના સ્ટાફ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જે અંતર્ગત દુકાનોની બહાર લટકતો સામાન દુકાનની અંદર રાખવાની સૂચનાઓ આપી હતી. ઉપરાંત ફૂટપાથની ઉપર કોઇપણ પ્રકારનો સામાન જોવા ન મળવો જોઇએ તે પ્રકારની સમજણ અપાઇ હતી. જોકે તહેવારોના સમયે પાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરીથી વેપારીઓ નારાજ જોવા મળ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ બજારમાં તહેવારોના સમયે ઘરાકી જામે છે.
અમારી દુકાનની હદમાં સામાન મૂકીએ છીએ તે છતાં પણ પાલિકા દ્વારા અમને વારંવાર હેરાન કરવામાં આવે છે.’ નગર પાલિકા સર્વેયર આર.કે.સેંગલે જણાવ્યું હતું કે ‘કેટલીક જગ્યાએ વેપારીઓએ ફૂટપાથ ઉપર નાગરિકો ચાલી પણ ન શકે તે હદે દુકાનનો સામાન મુકી દેતા હોય છે તેવા વેપારીઓને પાલિકાની ટીમ દ્વારા શરૂઆતમાં તેમનો સામાન હટાવી લેવા માટે સમજાવવામાં આવ્યા છે અને જો નહીં હટાવે તો દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.’