પાલનપુર, તા.૦૩
વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પાત્ર લાભો અને હક્કો જેવા કે સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, મેડીકલના લાભો આપવા, સહીત અન્ય લાભો મેળવવા એક વર્ષ અગાઉ રજૂઆત કરાઇ હતી.છતાં માંગ સામે આંખ આડા કાન કરી માંગોને સ્વીકાર ન કરાતા પાલનપુર વીજ કર્મીઓ શુક્રવારે સાંજે હાઇવે વિસ્તારમાં આવેલી કચેરી આગળ વિવિધ માંગો દર્શાવતા બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો આગામી સમયમા ઉકેલ નહી આવે તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
અરવલ્લીમાં યુજીવીસીએલના કર્મીઓની માગણીઓ મુદ્દે આંદોલનની ચીમકી
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા યુજીવીસીએલ અને તેને સંલગ્ન તમામ તાબાની કંપનીઓ હેઠળના તમામ કર્મીઓ અને અધિકારીઓના પગાર સુધારણા અન્વયે સામૂહિક લાભો મુદ્દે કર્મીઓ સંગઠન દ્વારા અગાઉ રજૂઆત કરતાં આવ્યા છે. ઊર્જા ક્ષેત્રના કર્મચારીઓ અને અધિકારીઓને મળતા લાભો અને લાભથી વંચિત રહેલા કર્મીઓએ વીજકંપનીની કચેરી આગળ વિવિધ માગણીના પ્રશ્ને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મીઓએ માગણીના પ્રશ્ને આગામી તા.8 નવેમ્બરે કચેરીમાં કાળીપટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપવાની તેમજ તા.14 નવેમ્બરે માસ સીએલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. 20 નવેમ્બરથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.