પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ

પાલનપુર, તા.૧૪

પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી.

મોટર વ્હિકલ અધિનિયમ-2019નું અમલીકરણ 16મીથી નક્કી કરાયું છે. જોકે પીયૂસી કઢાવવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ત્યારે પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (પીયુસી) મેળવવા પાલનપુર, ડીસામાં વહેલી સવારથી મોડી રાત સુધી કતારો જામે છે. પેટ્રોલ પોલ્યુશન મશીન તથા ડિઝલ પોલ્યુશન મશીન દ્વારા વાહનની પોલ્યુશનની માપણી કરવામાં આવે છે અને તેના પોલ્યુશન કાઉન્ટિંગ ડેટા ફિક્સ હોય છે. જો નિયમ કરતા પોલ્યુશન ડેટા અલગ આવે તો પી.યુ.સી.સર્ટિફિકેટ નિકળતું નથી.

પાલનપુરમાં એક પીયુસી સેન્ટરના મેનેજરે જણાવ્યું કે, વાહન ચાલકો માટે થોડા સમયમાં જ નવોકાયદો અમલી બનશે. જેને લઈ વાહન ચાલકોમાં જાગૃકતા આવી છે. અમારા પીયુસી સેન્ટર ઉપર પહેલાં, દિવસમાં પાંચથી દસ વાહનચાલકો પીયુસી સર્ટિફિકેટ માટે આવતા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન 150 થી 200 જેટલા પીયુસી સર્ટિફિકેટ નીકળે છે. જ્યારે અન્ય પીયુસી સેન્ટરના માલિકે જણાવ્યું કે સવારે દુકાન ખોલીએ તે પહેલાં જ વાહનચાલકોની લાઇન લાગેલી હોય છે. દિવસ દરમિયાન અમારે ત્યાંથી 200 થી 300 પીયુસી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે છે.

અગાઉ જ્યારે પીયુસી ઓફલાઈન નીકળતી હતી ત્યારે સંચાલક વાહન નંબર, વાહનનું નામ, વાહન માલિકનું નામ સહિત સમગ્ર વિગત જાતે ભરતા હતા. પરંતુ હવે જ્યારે સિસ્ટમ ઓન લાઈન થઈ છે ત્યારે ફક્ત વાહન નંબર નાખતાની સાથે જ સંપૂર્ણ વિગત મળી જાય છે અને પીયુસી નીકળી જાય છે. પરંતુ જો આરટીઓ વાહન રજીસ્ટ્રેશન ખામી હોય તો વિગત મળતી નથી અને પીયુસી નીકળતા નથી.

પાલનપુરમાં10થી વધુ દુકાનો સહિત શહેરના જાહેર માર્ગોના ઠેર ઠેર ફૂટપાથ પર હેલ્મેટો વેચાતા થઇ ગયા છે. ફૂટપાથ પર ડૂપ્લિકેટ આઇએસઆઇ માર્કા વાળા હેલ્મેટ રૂ.550થી રૂ.600માં મળતા હતા તેની જગ્યાએ દોઢથી ડબલ એટલે રૂ.750 થી રૂ.800 આસપાસ થઇ ગયા છે. જ્યારે આઇએસઆઇ માર્કા વિનાના હેલ્મેટ રૂ.200થી350 આસપાસ વેચાઇ રહ્યા હતા. જેના ભાવ વધી 450થી 500આસપાસ થઇ ગયા છે. જ્યારે દુકાનોમા પણ 600થી 2000 સુધીના ભાવની અલગ અલગ હેલ્મેટો લોકો ખરીદતા થયા છે.

એસપી અજિત રાજયાણએ જણાવ્યું હતું કે, ડ્રન્કેન ડ્રાઇવિંગના કિસ્સા અટકાવવા માટે દારૂ પીને વાહન હંકારનાર મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ ફરિયાદ કરનારા પોલીસકર્મીને પ્રતિ કેસે 100 રૂપિયા ઇનામ અપાશે. ઉપરાંત એક મહિનામાં જે પોલીસ સ્ટેશનમાં 25 થી વધુ ફરિયાદો દાખલ કરાશે તે પીએસઆઇને 500 રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમજ સારી કામગીરી કરનારા પોલીસ કર્મીનું સન્માન કરવામાં આવશે.